શહેરમાં સિનર્જી હોસ્પિટલ પાસે અયોધ્યા ચોક નજીક બિલ્ડિંગ મટીરીયલ્સના ધંધાર્થી યુવાન પર સરાજાહેર ધોકા-બેટ વડે હીચકારો હુમલો કરી હુમલાખોરોએ કાયદાની ક્રુર મજાક ઉડાવી હતી. સરાજાહેર બનેલી હુમલાની આ ઘટનામાં આજે ચાર-ચાર દિવસ વીતી ગયા હોવા છતા પોલીસ (કાનુન) ના લાંબા હાથ હુમલાખોરો સુધી પહોંચી શકયા નથી. ગંભીર ઘટનામાં આરોપીને ઝડપી લેવાની વાત તો એક તરફ રહી હજુ સુધી પોલીસને તેમના કોઇ સગડ શુધ્ધા મળ્યા નથી. સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસમાં લાગી છે છતા આરોપીઓને શોધવામાં હજુ સુધી કોઇ નક્કર માહિતી પોલીસને મળી નથી.
દારૂ-જુગાર,અપહરણ સહિતના ગુનાઓમાં અન્ય જિલ્લાઓમાં જઇ આરોપીઓને શોધી લાવતી પોલીસ આ ગંભીર અપરાધમાં આરોપીઓને પડકી પાડવામાં વામણી પુરવાર થઇ રહી છે. આ વાત રાજકોટ પોલીસની કાબેલીયત સામે સવાલો ઉભા કરી રહી છે.
શહેરના રૈયા રોડ પર રૂક્ષમણી પાર્ક શેરી નં.1 રામેશ્વર હોલની પાછળ રહેતાં પાર્થ ઉર્ફે સોનુ નીતિનભાઈ ફિચડીયા (ઉ.વ.21)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુર શાંતીલાલ દેવાયતકા, પ્રણવ ઉર્ફે કાનો મયુરભાઇ દેવાયતકા, શની કિરીટભાઇ દેવાયતકા, હિતેશ મોઢવાડીયા, કાના ઓડેદરાના અને તેની સાથેના અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બિલ્ડિંગ મટીરીયલ્સનો વેપાર કરે છે. તેમનો મિત્ર પ્રણવ ઉર્ફે કાનો મયુર દેવાયતકા પણ બિલ્ડિંગ મટીરીયલ્સનો વેપાર કરે છે. ગઇ તા. ૧૬ ના અયોધ્યા ચોક 150 ફુટ રિંગ રોડ ખાતે હતો ત્યારે મિત્ર પ્રણવના પિતા મયુર શાંતીલાલ દેવાયતકાનો ફોન આવ્યો હતો અને તેમને સિર્નજી હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. ત્યાં મયુરભાઈએ કહ્યું કે, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને અમારા ગ્રાહકને તું કેમ બિલ્ડિંગ મટીરીયલ્સ આપે છે કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી. લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતાં. ત્યાં પ્રણવ ઉર્ફે કાનો પણ હતો. તે બેટ વડે શરીરે માર મારવા લાગ્યો હતો તેની સાથેના શનિ કિરિટભાઈ બારોટ અને હિતેશ મોઢવાડીયાએ ધોકા વડે મુંઢ મારમાર્યો હતો.
તેની સાથેના કાનભાઈ ઓડેદરા છાતી ઉપર બેસી યુવાનના હાથ-પગ પકડી રાખી આ પાંચેય શખસોએ બેફામ મારમાર્યો હતો.ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.
બનાવને આજે ચાર દિવસ છતા પોલીસીને હજુ હુમલાખોરોના કોઇ સગડ મળ્યા નથી. ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત એલસીબી અને ડીસીબીની ટીમ પણ આ બનાવને લઇ તપાસમાં લાગી છે તેમ છતા તેમને આરોપીઓના કોઇ સગડ મળતા નથી તે વાત અકળાવનારી છે. સામાન્ય કિસ્સામાં બનાવ બનતાની સાથે જ આરોપીને ઝડપી લઇ બાદમાં ગુનો દાખલ કરવામાં આવતો હોય છે પરંતુ આ ગંભીર બનાવમાં ચાર- ચાર દિવસો વીત્યા બાદ આરોપીઓની ધરપકડ તો એક તરફ રહી તેના સગડ પણ હજુ પોલીસને મળ્યા નથી. શું હવે પોલીસ માત્ર ટેકનોલોજી આધારિત જ માર્યાદિત છે. જે કિસ્સામાં મોબાઇલ લોકેશન ન મળે તેમાં પોલીસને આરોપીઓ સુધી પહોંચવું લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે. હ્યુમન સોર્સીસ એટલે કે બાતમીદારોનું નેટવર્ક હવે નામ માત્રનું જ રહ્યું હોય તેવું આ ઘટના પરથી ફલિત થઇ રહ્યું છે.
સરાજાહેર યુવાન પર આ રીતે ઘાતકી હુમલો કરી કાયદાની ક્રુર મજાક ઉડાવનારને પોલીસ દિવસો વીત્યા સુધી પકડી ન શકે તે વાત પોલીસ માટે નીચાજોણી સાબિત થઇ રહી છે. આવા ગંભીર ગુનાઓમાં આરોપીઓ પોલીસના હાથ ન લાગે ત્યારે પોલીસની કાબેલીયત સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે. ત્યારે આ બાબતે પોલીસ ગંભીરતા દાખવે અને સરાજાહેર કાયદો હાથમાં લેનાર આ ગુંડા તત્વોની તત્કાલ ઝડપી લે તે જરૂરી બની જવા પામ્યું છે.
હુમલાખોરોના ઘર,વતન આશ્રયસ્થાને પોલીસે તપાસ કરી: પીઆઇ મેઘાણી
ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે, હુમલાખોરોને ઝડપી લેવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. ગુનો દાખલ થયા પૂર્વે જ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપીઓના ઘરે તેના આશ્રયસ્થાને દરોડા પાડયા હતાં. પરંતુ તાળા લાગેલા હતાં. એટલું જ નહીં આરોપીના મૂળ વતનમાં આવેલા ઘરે પણ તપાસ કરી હતી. ઘટના બાદ હુમલાખોરોએ તેમના મોબાઇલ તુરંત સ્વીચઓફ કરી દીધા હોય જેથી તેમનું લોકેશન મળી શકયું નથી. પોલીસ આરોપીને ઝડપી લેવા સંભવ તમામ પ્રયત્નો કરી રહી છે. આરોપી હાથ લાગ્યા બાદ તેમને કાયદાનો બરોબરનો પાઠ ભણાવવામાં આવશે.