રાજકોટ શહેરમાં 29 ઓક્ટોબરના રોજ મધરાત્રીના 3:30 વાગ્યાના સમયે મંગળા રોડ વિસ્તારમાં બનેલી ગેંગવોરની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. મૂર્ગા ગેંગ અને પૈંડા ગેંગ વચ્ચે થયેલા આ વિવાદ દરમિયાન સરાજાહેર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં શહેરના કાયદો અને વ્યવસ્થાનો સવાલ ઊભો થયો હતો.
આ ઘટનાના સંદર્ભે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. અત્યારસુધીમાં કુલ 11 શખ્સો સામે ગુનો દાખલ થયો છે અને તેમાંના 6 આરોપીઓને પોલીસએ ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આ આરોપીઓનું ઘટનાસ્થળે SOG ટીમ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને ગુનેગારો સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. બંને ગેંગના સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સાથે જ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની અને જુના ગુનાઓમાં મળેલા જામીન રદ કરવાની પણ તૈયારી હાથ ધરાઈ છે. પોલીસે આરોપીઓએ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી મેળવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દ્વારા શહેરમાં ગુનેગારોને સ્પષ્ટ સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે રાજકોટમાં અપરાધ અને ગેંગવોરને કોઈ રીતે સહન નહીં કરવામાં આવે. પોલીસ તંત્રે ગુનેગારોની કમર તોડવા માટે સતત અભિયાન શરૂ કરવાનું સ્પષ્ટ સંકેત આપ્યો છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
રાજકોટમાં પોલીસનો ડર અને ખોફ ઓસરી રહ્યો છે તો બીજી તરફ કહેવાતા ગાંઠિયા દાદાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં સરાજાહેર હત્યાઓ ફાયરિંગ, ધમકી અને હથિયારોનો બેફામ ઉપયોગ કરી ગભરુ પ્રજાને રંજાડી રહ્યા છે અને પોલીસ જાણે મુક પ્રેક્ષક બની તમાશો નિહાળતી હોય તેવી સનસનાટી મચાવતી વધુ એક ઘટના મંગળારોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક બની હતી. જેમાં મધરાત્રે ફિલ્મી ઢબે બે કુખ્યાત ગેંગ વચ્ચે ધાણી ફૂટ ફાયરિંગ થતા ચકચાર જાગી હતી.
રાજકોટમાં ગત ફેબ્રુઆરી માસથી રાજકોટના જંગલેશ્વરની ગેંગ અને પેંડાગેંગના સાગરિત પરેશ ગઢવીની ગેંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવત અને સમયાંતરે વારંવાર ફાયરિંગના બનાવ બાદ વધુ એક વખત ગતરાત્રિના મંગળા રોડપર બંને જૂથ સામસામે આવી જતા મધરાત્રે ધાણી ફૂટ ફાયરિંગ થતા સનસનાટી મચી જવા પામી હતી. આ અંગેની પોલીસને જાણ થતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી બસીયા, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તેમજ એસઓજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ જાડેજા, એ ડિવિઝન પીઆઈ બી.વી બોરીસાગર અને ડિસ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે મંગળારોડ પર દોડી ગયો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મોડીરાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે બંને ગેંગના સાગરીતો સામસામે આવી જતા જૂની અદાવત અને વેરઝેરના ખાર માં ફિલ્મી ઢબે બંને ગેંગે સામ સામે ફાયરિંગ કરતા ફાયરિંગના અવાજથી વિસ્તારમાં લોકો ગભરાઈને જાગી ગયા હતા, તો બીજી તરફ ફાયરીંગના અવાજથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા સગાસંબંધીઓમાં નાશભાગ મચી ગઇ હતી.
જંગલેશ્વરની નામચીન રમાના પતિ જાવેદ જુનેજાને દાખલ કરાયો હોય આ ગેંગનો સંજય પોતાના પિતાની સારવાર ચાલતી હોય ગોકુલ હોસ્પિટલમાં હોવાની જાણ પરેશ ગઢવીની ગેંગ સુધી વાત પહોંચતાજ આ ગેંગ જંગલેશ્વર ગેંગને ભરી પીવા મંગળારોડ ખાતે દોડી ગઈ હતી, બને ગેંગોમાં લાંબા સમયથી ચાલી આવતી માથાકૂટ છેલ્લા થોડા દિવસોમાં ખૂબ ઉગ્ર બની ગઈ છે. ગુનેગારોમાં ચર્ચા ચાલી રહી છે કે આ ગેંગવોર વધુ લોહિયાળ બને તો નવાઈ નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે.
પોલીસના રાત્રી પેટ્રોલિંગના અભાવે આવી ઘટનાઓ સરળતાથી બની શકે છે, તે ચિત્ર સામે આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગમાં નિષ્ક્રિયતા સામે પ્રજાજનોમાં સવાલો ખડા થયા છે આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી પરંતુ ફાયરિંગની ઘટનાએ ચકચાર જગાવી છે.