BREAKING NEWS

રૂ.1.62 કરોડની ચાંદી ચોરી કરનારની કાર રાત સુધી રાજકોટમાં ફરતી રહી, પોલીસની મથામણ: હજુ સુધી કોઇ ઠોસ કડી મળી નથી

  • February 05, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર શેરી નંબર-૧માં ખત્રીની વાડી પાસે મકાનમાં ચાલતી શક્તિ સિલ્વર નામની પેઢીમાં મંગળવારે મધરાત્રીના કાર લઇ આવેલા તસ્કરો 1.62 કરોડની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવને લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને ડીસીબીની ટીમે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. જે ક્રેટા કારમાં તસ્કરો આવ્યા હતા અને દાગીના લઈ ગયા હતા તે ક્રેટા કાર ગઈકાલ રાજકોટમાં જ અલગ અલગ વિસ્તારોમાં રાત સુધી ફરતી રહી હોવાના સીસીટીવી મળ્યા છે. જો કે હજુ સુધી કારનું સચોટ લોકેશન મળ્યું નથી તેમજ તેમાં નંબર પ્લેટ ખોટી હોય જેથી કારચાલકના માલિક અંગેની વિગતો પણ જાણી શકાઇ નથી. છેલ્લું લોકેશન ભાવનગર રોડ તરફનું મળ્યું હોય જેથી પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે તો બીજી તરફ ચોરીના આ બનાવમાં જાણભેદુનો હાથ હોવાની પણ શંકા સેવાઇ રહી હોય જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ યથાવત રાખી છે પરંતુ હજુ સુધી બનાવવાનો ભેદ ઉકેલાય તેવી કોઇ ઠોસ કડી મળી નથી.


જાણવા મળતી વિગતો મુજબ, મૂળ પડધરીના વિસામણ ગામના અતુલભાઇ લીંબાભાઇ બુસા 2019 થી ચાંદીના દાગીનાનું જોબવર્ક કરે છે. અગાઉ તેની બીજી જગ્યાએ પેઢી હતી છેલ્લા આઠેક દિવસથી જ પરિચિત બીપીનભાઈના મકાનમાં પેઢી શરૂ કરી હતી જ્યાં તે ઉપરાંત બે કારીગરો વીંછીયા અને પાયલ બનાવવાનું કામ કરતા હતા.


મંગળવારે અતુલભાઇને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી સાંજે સાડા ચારેક વાગ્યે પેઢીને તાળું મારી જતા રહ્યા હતા. બાદમાં બુધવારે સવારે ઘરે હતા ત્યારે કાકા જયેશભાઈ બુસાએ કોલ કરી પેઢીના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરતા તેઓ તાકીદે અહીં પહોંચ્યા હતા.તપાસ કરતા 50 ટચના અંદાજે 140 કિલો સાકડા જે બોક્સમાં ભરી 11 બોરીમાં રાખ્યા હતા તે ગાયબ હતા જેની કિંમત રૂપિયા 1.62 કરોડ આંકવામાં આવી છે.


બી ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી ઝોન-૧ અને ડીસીબી સહિતની ટીમ દ્વારા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.સીસીટીવી ફૂટેજ ચકાસતા ક્રેટા કાર દેખાઈ હતી જેથી આ કારની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.


ચોરીની ઘટના સામે આવ્યા બાદ પોલીસે સતત કારનું લોકેશન મેળવવા માટે તપાસનો ધમધમાટ આવ્યો હતો. જેમાં ગઈકાલે કાર રાજકોટ શહેરમાં જ અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતી રહી હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ કારનો નંબર સાચો ન હોય જેથી કારના માલિક અંગેની પોલીસને સચોટ માહિતી મળી શકી નથી કારનું લાસ્ટ લોકેશન ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી પાસેનું મળ્યું હોવાથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.


બીજી તરફ ચોરીના આ બનાવને લઈ જાણભેદુનો હાથ હોવાની શંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસ યથાવત રાખી છે. પરંતુ હજુ સુધી બનાવનો ભેદ ઉકેલાય તેવી કોઈ ઠોસ કડી પોલીસને મળી શકી નથી.


અલગ અલગ ટીમના 50થી વધુના સ્ટાફે શહેરભરની હોટલમાં તપાસ કરી

1.62 કરોડની ચાંદી ચોરી થયાના બનાવનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, ડીસીબી, એસઓજીની મળી અલગ અલગ પોલીસની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 50 થી વધુનો સ્ટાફ ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ છે. તસ્કરો અહીં હોટલમાં આશરો લીધો હોવાની શંકાએ શહેરભરની હોટલોમાં પણ તપાસ કરી હતી. પરંતુ તસ્કરોની માહિતી મળી શકી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application