BREAKING NEWS

વિરપુરમાં હાથમાં હથિયાર રાખી, ઘોડેસવારી કરી ભડાકા કરનાર શખસને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

  • March 27, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલના સમયમાં ખાસ કરીને યુવાઓ રિલ્સ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકી અથવા તો કાયદાનો ભંગ થતો હોય તેવા વિડિયો અપલોડ કરી રહ્યા છે. આવા કિસ્સામાં પોલીસ ગુનો નોંધતી હોવા છતાં રીલ્સના ગાંડપણમાં તેઓ આવા કૃત્ય આચરતા હોય છે. ત્યારે વીરપુરમાં વાડી વિસ્તારમાં એક શખસ હથિયાર સાથે રોફ જમાવતો હોય તેવો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો હતો. જે વીડિયો પોલીસને ધ્યાને આવતા જેતપુરના વાળાડુંગરા ગામે રહેતા આ શખસને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી દેશી બનાવટના જોટા જેવું હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ એસ.પી વિજયસિંહ ગુર્જર દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી અફવા દ્વારા ભય ફેલાવતા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર શખસો પર દેખરેખ રાખવા સૂચના આપી છે. જેને લઇ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ મથકના પીઆઇ એસ.જી. રાઠોડ તથા ટીમ આવી પ્રવૃત્તિઓને લઈ તપાસમાં હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગોપાલ મકવાણા 999 પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં દેશી બનાવટનો જોટો પોતાના હાથમાં રાખી ઘોડા પર સવારી કરી હવામાં ભડાકા કરતો હોય તેવો વિડિયો તા. 22/2/2026 ના અપલોડ થયો હતો.


આ વીડિયોને લઇ વીરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિશાનભાઇ પરમાર અને કૌશિકભાઇ ચાચાપરાએ તપાસ હાથ ધરી વીડિયો અપલોડ કરનાર ગોપાલ જેરામભાઈ મકવાણા (ઉ.વ. 25 રહે. વાળાડુંગરા રામજી મંદિર સામે, તા. જેતપુર) ને ઝડપી લઇ તેની સામે જાહેર શાંતિ જોખમાય તેમજ બીજા લોકો આવું કૃત્ય કરે તેવું પ્રોત્સાહન આપવા બદલ તેના વિરુદ્ધ બીએનએસની કલમ 353 (બે), 270 મુજબ ગુનો નોંધી દેશી બનાવટનું હથીયાર કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ખેતીકામ કરતો હોય અને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવાની ટેવ ધરાવતો છે. તેણે વાડીમાં ઘોડા પર સવારી કરી આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.આરોપી સામે અગાઉ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જામકંડોરણામાં જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application