ખાસ કરીને સાંજના સમયે તો મોટી સંખ્યામાં ટ્રક, ખાનગી બસ સહીતના ભારે તથા નાના વાહનોના આવાગમનથી રોજ ચકકાજામ થાય છે. ખાસ કરીને ગેપમાં એટલે કે ક્રોસીંગમાં વાહનોના ટર્નના કારણે માર્ગની બંને બાજુ વાહનોની કતારો લાગતા ટ્રાફીકજામથી વાહનચાલકો તોબા પોકારી ગયા છે. ટ્રાફીકજામથી આ માર્ગ પર પ્રદૂષણે પણ માઝા મૂકી છે. આ સમસ્યાથી આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ગયા છે. બીજી બાજુ ટ્રાફીકના કારણે જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. ત્યારે શહેરમાં એકમાત્ર આ માર્ગ પર અડધા કીમીના માર્ગમાં ૧૦ થી વધુ ગેપ(ક્રોસીંગ) હોય તે બુરવા પાછળ પણ રાજકીય અડચણ કારણભૂત હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. આટલું જ નહીં જામ્યુકો પણ આ ગંભીર સમસ્યા બાબતે આંખ મીચામણા કરતા આ માર્ગ પર ટ્રાફીક સમસ્યાએ માઝા મૂકી છે. ત્યારે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગમી દીવસોમાં કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદારી કોની તે સળગતો સવાલ ઉઠયો છે.
જામ્યુકો ફકત નાણાંનો ધુમાડો કરવામાં પાવરધી, અન્ય શહેરોમાંથી બોધપાઠ લેતી નથી..?
જામ્યુકો શહેરમાં સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરી નાણાંનો ધુમાડો કરવામાં પાવરધી હોવાનું શહેરીજનોમાં સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. કારણ કે, શહેરીજનોને કનડતી માર્ગ પર વાહન પાર્કીંગ, નિયમિત સફાઇ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી મુકિત અપાવી શકી નથી. આટલું જ નહીં ઓડીટોરીયમ , ક્રીકેટનું મેદાન સહીતના વિકાસના દીવા સ્વપ્નો વર્ષોથી બતાવી રહી છે. પરંતુ અન્ય શહેરોના વિકાસમાંથી બોધપાઠ લેતી નથી.

કારણ કે, રાજકોટમાં ટ્રાફીકથી ધમધમતા કાલાવડ માર્ગ પર ગેપના કારણે ટ્રાફીકની સમસ્યા થતી હતી. આથી રાજકોટ મનપાએ આ ગાળા બુરી દેતા માર્ગની બંને બાજુ એક તરફ વાહનોનું આવાગમન રહે છે. ત્યારે તેમાંથી બોધપાઠ લઇ ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગમાં આવેલા ગેપ બુરવામાં આવે તો આ માર્ગ પર ટ્રાફીક સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય તેમ તજજ્ઞોએ જણાવ્યું છે.