BREAKING NEWS

મોવિયા પાસે કાર ઝાડ સાથે અથડાઈ: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત

  • June 05, 2026 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ પંથકમાં શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે એક ભયંકર અને ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. સાસણ ગીરથી મિત્રો સાથે પ્રવાસ માણીને પરત ફરી રહેલી એક કાળા રંગની સ્કોડા કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે આવેલી 'દાવત બેવરેજીસ' ફેક્ટરી પાસે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ નજીકના એક ઘટાદાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર યુવતી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસ સાથે કનેક્શન

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂજા રાજગોર સામાન્ય યુવતી નથી, પરંતુ રીબડા ગામના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની મુખ્ય સહ-આરોપી હોવાનું સામે આવતા સમગ્ર પંથકના રાજકારણ અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અકસ્માતની આ ઘટનાને પગલે અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, આ ગોઝારા અકસ્માતના માત્ર ૨૧ કલાક પહેલા જ પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ અજાણ્યા પુરુષ સાથેનો એક 'કપલ ફોટો' સ્ટોરી તરીકે શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


બાળકી સહિત અન્ય ૪ લોકોની હાલત ગંભીર

આ ભયાનક દુર્ઘટનામાં માત્ર પૂજાનું મોત નથી થયું, પરંતુ કારમાં સવાર અન્ય ૪ લોકો પણ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં એક ૫ વર્ષની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તેમની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.


પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો

અકસ્માતની માહિતી મળતા જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા હળવી કરી હતી. પોલીસે મૃતક પૂજા રાજગોરના મૃતદેહને 'શિવમ સાર્વજનિક ટ્રસ્ટ'ની એમ્બ્યુલન્સ મારફતે પંચનામું કરી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની બેદરકારી સહિતના તમામ પાસાઓ પર કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News