ગુજરાતમાં ઘણા સમયથી જે ચર્ચા થઈ રહી હતી તેની આતુરતાનો અંત આવતીકાલ સુધીમાં આવી જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (17 ઓક્ટોબર) સવારે ૧૧.૩૦ વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
સંભવિત નવા ચહેરાઓ અને વિદાય લેનારા મંત્રીઓના નામો
સૌરાષ્ટ્રમાંથી: જયેશ રાદડિયા, મહેશ કસવાલા અને હિરા સોલંકીને સ્થાન મળશે. કોળી સમાજમાંથી પુરુષોત્તમ સોલંકીને બદલે હિરા સોલંકીને તક મળશે. રિવાબા જાડેજા, સંજય કોરડિયા અને ઉદય કાનગડ પણ મજબૂત દાવેદારો છે.
કચ્છમાંથી: અનિરુદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરીને મંત્રીપદ મળી શકે છે.
ઉત્તર ગુજરાતમાંથી: શંકરભાઈ ચૌધરી અને સી.જે. ચાવડાના નામ મોખરે છે.
મધ્ય ગુજરાતમાંથી: પંકજ દેસાઈ અને કેયુર રોકડિયાને તક મળશે.
દક્ષિણ ગુજરાતમાંથી: દર્શના દેશમુખ, ચૈતન્યસિંહ ઝાલા, નિમિષા સુથાર, સંગીતા પાટીલ અને સંદિપ દેસાઈના નામો ચર્ચામાં છે.
અમદાવાદમાંથી: અમિત ઠાકર અને પાયલ કુકરાણીને મંત્રીપદ આપવામાં આવી શકે છે.
બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ દ્વારા રાજીનામું આપી દેવામાં આવી શકે છે. શુક્રવારે સવારે નવું મંત્રીમંડળની શપથવિધિ યોજાશે.