જામનગર મહાનગરપાલીકા નીત નવા પ્રોજેકટમાં પાવરધી છે, પરંતુ તેના પ્લાનીંગમાં ધીમી અને અમલીકરણમાં તદન નબળી હોય તે શહેરમાં વિકાસકાર્યોની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સંકલનનો અભાવ, ગ્રાન્ટમાં વિલંબ અને અપૂરતી ફાળવણી, અન્ય સરકારી કચેરીઓની ડાંડાઇ સહીતના અવરોધના કારણે નિયત સમયમાં કામ પૂરા થતા નથી અને આ ગંભીર બાબતથી સતાધીશો અને ઉચ્ચ અધિકારીઓ સારી રીતે વાકેફ હોવા છતાં દર વર્ષે બજેટમાં વિકાસકાર્યોના દીવાસ્વપ્નો દેખાડી રહ્યા છે જે ખરેખર શરમની સાથે દુ:ખદ બાબત છે. શહેરના વિકાસની પ્રાથમીકતા શું છે તેના બદલે સતાધીશો દ્રારા અણઘડ આયોજનો અને તેમાં ઉચ્ચ અધિકારીઓ દ્રારા ઘ્યાન દોરવાને બદલે મૂક સંમતિથી શહેરીજનો આજની તારીખે પણ પાર્કિંગ, ટ્રાફીક, ગંદકી, ભૂગર્ભ ગટર ઉભરાવાથી ગંદા પાણીની રેલમેછેલ, ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો, દબાણ, રમતગમતની ેમેદાન સહિતની સુવિધાનો અભાવ સહીતની સમસ્યાઓથી રીતસર પીડાઇ રહ્યા છે.
જામનગર મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષના ડ્રાફટ બજેટમાં વધુ એક વખત મુંગેરી લાલના હસીન સપના જેવા વિકાસકાર્યોનું આયોજન દર્શાવાયું છે તો અમુક વિકાસકાર્યો કે જેની એક ઇંટ પણ મૂકાઇ નથી તેનું પુનરાવર્તન કરી શહેરીજનોને વધુ એક વખત ઉંધા ચશ્મા પહેરાવામાં આવ્યા છે. નવાઇની વાત તો એ છે કે, અગાઉના બજેટમાં દર્શાવેલા વિકાસકાર્યોમાંથી હજુ ઘણા અઘ્ધરતાલ છે તો જે પૂર્ણ થયા છે તેમાંથી મોટાભાગના સમયસર પૂર્ણ થયા નથી તો ઘણા કામ પ્રગતિમાં છે. જે કયારે પૂર્ણ થશે તે સળગતો સવાલ છે. મહાનગરપાલીકાની સતાવાર વેબસાઇટ પર વર્ષ ૨૦૨૧-૨૦૨૨થી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ સુધી કરવામાં આવેલા કામની યાદી મૂકવામાં આવી છે. જેમાં કામનું નામ , ખર્ચ, કામ શરૂ થયાની તારીખ, કામ પૂર્ણ થવાની તારીખ, કામ વાસ્તવિક પૂર્ણ થવાની તારીખ દર્શાવામાં આવી છે.
પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, બે-ત્રણ કામને બાદ કરતા એક પણ કામ સમયસર પૂર્ણ થયું નથી તો હજુ ઘણા કામ અધૂરા છે. ડીપી અમલીકરણ, ટેન્ડર અને મંજૂરીમાં વિલંબ, સમયસર ગ્રાન્ટનો અભાવ, અપૂરતી ગ્રાન્ટની ફાળવણી,પીજીવીસીએલ સહીત અન્ય કચેરીઓની ડાંડાઇ સહીતના અવરોધના કારણે વિકાસકાર્યોમાં વિલંબ થઇ રહ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આ કારણોસર વિકાસકાર્યોમાં અવરોધ આવતો હશે તે સ્વાભાવિક છે. આ કારણોથી મહાનગરપાલીકાના સતાધીશો અને ઉચ્ચ અધિકારીઓ સારી રીતે વાફેફ છે.
આમ છતાં શહેરીજનોને દર વર્ષ વિકાસના દીવાસ્વપ્નો શા માટે દેખાડવામાં આવે છે તે સમજાતું નથી. બીજી બાજુ શહેરના વિકાસ માટે પહેલા કયાં કામ જરૂરી છે અને પ્રાથમિકતા શું છે તે નકકી કરવાને બદલે વાહ વાહ મેળવવા અને લીંબડ જશ ખાટવા સતાધીશો અણધડ આયોજન કરે છે અને મનપાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે ઘ્યાન દોરવાને બદલે મૌન રહી મૂકસંમતિ આપતા શહેરીજનો સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે. જેનું ઉદાહરણ જોઇએ તો શહેરમાં રમતગમતનું ગ્રાઉન્ડ પહેલા જરૂરી છે કે તળાવના પાળ પાર્ટ-૨ નું બ્યુટીફીકેશન?.
આ જ રીતે શું ફકત સીમેન્ટ ક્રોકીંટના જંગલો ઉભા કરવાએ શહેરનો વિકાસ છે. કારણ કે, આજની તારીખે પણ શહેરીજનો રખડતા ઢોર, પાર્કીંગ, બીસ્માર માર્ગો, ગંદકી, કચરો, વરસાદી પાણીનો ભરાવો સહીતની સમસ્યાથી રીતસર પીડાઇ રહ્યા છે. આમ છતાં મહાનગરપાલીકા એવા પ્રોજેકટમાં પાવરધી છે કે જે કયારે શરૂ થશે અને પૂર્ણ થશે તે નકકી હોતું નથી તથા પ્લાનીંગ પણ ગોકળગાયની ગતિએ થાય છે અને અમલીકરણમાં ખૂબજ નબળી કામગીરીથી સમયસર પૂર્ણ ન થતાં શહેર આજની તારીખે પણ ગામડું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
જામનગર મહાનગરપાલીકાના કામની સ્થિતિ, સમયસર કામ પૂર્ણ ન થતાં શહેરના વિકાસને ગ્રહણ
કામનું નામ મંજૂર ખર્ચ(લાખમાં) કામ શરૂની તારીખ કામ પૂર્ણ થવાની તારીખ કામ વાસ્તવિક પૂર્ણ થવાની તારીખ કામની સ્થિતિ
સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રીજ સુધી ફલાય ઓવરબ્રીજનું કામ ૨૨૬૯૯.૦૦ તા.૧૪-૦૮-૨૧ ફેબ્રુઆરી-૨૦૨૪ ૩૧-૧૦-૨૦૨૫ પૂર્ણ
હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રીજનું કામ ૪૭૮૯.૭૬ તા.૧૬-૦૧-૨૦૨૩ ૧૫-૦૧-૨૦૨૫ ૧૩-૦૭-૨૦૨૫ પૂર્ણ
લાલપુર બાયપાસ જંકશન ઉપર એલીવેટેડ ફલાય ઓવરબ્રીજનું કામ ૧૦૦૦.૧૦ ૩૧-૦૩-૨૩ ૩૦-૦૩-૨૫ ૩૧-૦૩-૨૦૨૬ ૬૫ ટકા પૂર્ણ
રેસ્ટોરેશન, ક્ધઝર્વેેશન, ફન્સોલીડેશન અને રી-પ્રોડકશન ઓફ ભુજીયા કોઠો(ફેઇસ-૨) હેરીટેજ ચેઇન
૧૩૬૪.૬૬ ૦૨-૦૩-૨૦૨૪ ૦૧-૦૯-૨૦૨૫ ૩૧-૧૨-૨૦૨૫ કામ ચાલુ
બાલકનજી બારી પાસે સાયન્સ નોલેજ પાર્ક બનાવવાનું કામ ૮૯૪.૬૪ ૧૩-૦૩-૨૦૨૪ ૧૨-૦૬-૨૦૨૫ ૩૧-૧૨-૨૦૨૫ ૮૫ ટકા પૂર્ણ
રણમલ લેઇક પાર્ટ-૨ રેજુવેશન એન્ડ ડેવલોપમેન્ટ વર્ક ૩૬૪૨.૬૪ ૧૪-૦૩-૨૦૨૪ ૧૩-૦૩-૨૦૨૬ ૧૩-૦૩-૨૦૨૬ ૮૦ ટકા પૂર્ણ
ખંભાળીયા રોડ પર સીવીક સેન્ટર બનાવવાનું કામ ૨૪૪.૧૬ ૦૧-૦૮-૨૦૨૪ ૦૧-૦૮-૨૦૨૫ ૩૧-૧૦-૨૦૨૫ પૂર્ણ
લાલપુર રોડ પર સીવીક સેન્ટર બનાવવાનું કામ ૨૪૪.૧૬ ૦૧-૦૮-૨૦૨૪ ૦૧-૦૮-૨૦૨૫ ૩૧-૧૦-૨૦૨૫ પૂર્ણ
જામ્યુકોની હયાત બીલ્ડીંગ પર ત્રીજો માળ બનાવવાનું કામ ૮૨.૫૮ ૨૧-૦૮-૨૦૨૪ ૨૧-૦૮-૨૦૨૪ ૩૧-૧૧-૨૦૨૫ પૂર્ણ
કાલાવડ રોડ પર ફાયર સ્ટેશન તથા રેસીડેન્ટ કર્વાટર બનાવવાનું કામ ૬૫૪.૬૦ ૨૫-૦૮-૨૦૨૪ ૨૫-૦૮-૨૦૨૫ -- ૮૫ ટકા પૂર્ણ
ઇ-બસ ડેપો, ઇ-બસ ચાર્જીંગ સ્ટેશન, ઇલેકટ્રીક ઇન્ફ્રાસ્ટ્રકચર અને બીલ્ડીંગ બનાવવાનું કામ(ફેઇઝ-૧) ૧૨૦૦.૦૦ ૦૭-૧૦-૨૦૨૪ ૭-૧૦-૨૦૨૫ ૦૭-૧૦-૨૦૨૫ પૂર્ણ
સમર્પણ સર્કલથી વિજયનગર જકાત નાકા રોડ પર રેલવે ઓવરબ્રીજ બનાવવાનું કામ ૪૪૫૫.૬૨ ૦૧-૦૪-૨૦૨૫ ૦૧-૦૪-૨૦૨૭ ૦૧-૦૪-૨૦૨૭ ૫ ટકા પૂર્ણ
બાયપાસ રોડ જીઆઇડીસી પ્લોટમાં ફાયર સ્ટેશન અને રેસીડેન્સ કર્વાટર બનાવવાનું કામ ૬૫૪.૬૦ ૦૧-૦૪-૨૦૨૫ ૦૧-૦૪-૨૦૨૬ -- ૪૦ ટકા પૂર્ણ
હાપા પાસે રાજકોટ હાઇવે સુધી જોડતા રોડને આસ્ફાલ્ટ રોડ કરવાનું કામ ૧૨૯.૩૨ ૧૫-૦૬-૨૦૨૫ ૧૫-૦૩-૨૦૨૬ ૧૫-૦૩-૨૦૨૬ પૂર્ણ
જકાતનાકા સર્કલથી સાંઢીયા પુલ સુધીના આસ્ફાલ્ટ સીકસલેન વાઇડનીંગ અને રી-કાર્પેટીંગનું કામ કાચબાગતિએ
શહેરમાં રૂ.૧૯૩૦.૬૩ લાખના ખર્ચે જકાતનાકા સર્કલથી સાંઢીયા પુલ આસ્ફાલ્ટ સીકસલેન વાઇડનીંગ તથા આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ, કાલાવડ નાકા બ્રીજથી મહાપ્રભુજી બેઠક સુધી અને ઠેબા ચોકડી સુધી, મહાપ્રભુજી બેઠક પાસેના ઇએસઆરથી હાપા મેઇન રોડ સુધીના રોડને આસ્ફાલ્ટ રોડ બનાવવાના કામ ૫ૈકી જકાતનાકા સર્કલથી સાંઢીયા પુલ સુધીનું કામ હજુ બાકી છે. જયારે અન્ય બે કામ જે તા.૧૪-૦૩-૨૦૨૪ એ શરૂ થયા હતા જે તા.૧૪-૦૩-૨૦૨૫ના પૂર્ણ થવાના હતા તે તા.૩૦-૧૧-૨૦૨૫ના પૂર્ણ થયા હતાં. આજ રીતે રૂ.૨૪૮૬.૬૨ લાખના ખર્ચે ગુલાબનગર રેલવે ઓવરબ્રીજથી ધુંવાવ બ્રીજ, સમર્પણ સર્કલથી ખંભાળીયા બાયપાસ સુધી અને ભાનુ પમ્પથી લાલપુર બાયપાસ જંકશન સુધી આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ કામ તા.૧૪-૦૩-૨૦૨૪ના શરૂ થયું હતું. જે પૂર્ણ થવાની તારીખ તા.૧૪-૦૩-૨૦૨૫ હતી તેના બદલે તા.૩૦-૧૧-૨૦૫ના પૂર્ણ થયું હતું.
અપૂરતો સ્ટાફ પણ મુખ્ય કારણ, અધૂરા કામ વચ્ચે નવા આયોજનની ભરમાર
જામનગર મહાનગરપાલીકામાં અપૂરતો સ્ટાફ પણ વિકાસકાર્યો સમયસર ન થત હોવા પાછળનું એક મુખ્ય કારણ છે. કારણ કે મહત્વની શાખાઓમાં જે કામ માટે જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ જોઇએ તે નથી. આથી અધિકારીઓ અને કર્મચારીઓ કામમાં પહોંચી શકતા નથી તો દેખરેખ ન રાખી શકતા કામ સમયસર પૂર્ણ થતા નથી. આ બાબતથી સતાધીશો અને ઉચ્ચ અધિકારીઓ સારી રીતે વાફેક હોવા છતાં ઊધરા કામો વચ્ચે નવા અયોજનની ભરમારનો સીલસલો યથાવત રાખતા અનેક સવાલ ઉઠયા છે.
કામ સમયસર ન થતાં ખર્ચમાં તોતીંગ વધારો, આર્થિક ભારણના બહાના હેઠળ શહેરીજનોને ડામ
જામ્યુકો દ્રારા કરવામાં આવતા મોટાભાગના કામ અને પ્રોજેકટ સમયસર પૂર્ણ થતાં ન હોય ખર્ચમાં તોતીંગ વધારો થાય છે. ત્યારે આ કાર્યપ્રણાલી કોન્ટ્રકટરોને કામાવી દેવાની અને ભ્રષ્ટચારની બારી તો નથી તે તપાસનો વિષય બન્યો છે. બીજી બાજુ કામમાં પાછલા બારણે ખર્ચ વધારો કરવામાં આવે છે. જેનું ભારણ આખરે તો શહેરીજનો પર પડે છે. કારણ કે મહાનગરપાલીકા દ્રારા આર્થિક ભારણના બહાના હેઠળ કરવેરામાં વધારો ઝીંકવામાં આવે છે.