ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષાઓ શરૂ થાય તે પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થવાની છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલ મુજબ તારીખ 5 ફેબ્રુઆરીથી પ્રેક્ટીકલ પરીક્ષાઓ લેવામાં આવશે.
રાજ્યની વિજ્ઞાન પ્રવાહની કઈ શાળામાં લેબોરેટરીની સુવિધા છે? સ્ટાફ અને લેબોરેટરીના સાધનો બાબતે શું વ્યવસ્થા છે ? તે સહિતની તમામ વિગતો બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી શાળાઓ પાસેથી મંગાવી છે.આ માહિતી પૈકી મોટાભાગની માહિતી ડીઈઓ દ્વારા મેળવીને બોર્ડને મોકલી દેવામાં આવી છે.
બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ વિજ્ઞાન પ્રવાહની દરેક શાળામાં જ્યારે પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવે છે ત્યારે દરેક લેબોરેટરી દીઠ બબ્બે સુપરવાઇઝર રાખવામાં આવશે. તબક્કાવાર વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ માટે બોલાવવામાં આવશે અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા બાયોલોજી વિષયમાં જે તે વિદ્યાર્થીએ કેટલા માર્ક મેળવ્યા છે તે દરરોજ સુપરવાઇઝરો અને શાળા સંચાલકો દ્વારા બોર્ડની વેબસાઈટ પર અપડેટ કરવા પડશે.
રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર ગોંડલ જસદણ જેતપુર ધોરાજી સહિતની શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની લેબોરેટરીની વ્યવસ્થા હોવાનો રિપોર્ટ બોર્ડને મોકલાઈ ગયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના પ્રેક્ટીકલ ની પરીક્ષા આપવા પડે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 7500 છે.
એક બાજુ વ્યવસ્થા ને લગતી કામગીરીમાં બોર્ડ વ્યસ્ત બની ગયું છે તો બીજી બાજુ બોર્ડે પરીક્ષાની હોલ ટિકિટ પણ જાહેર કરી દીધી છે. બોર્ડની વેબસાઈટ પર શાળાનો ઇન્ડેક્સ નંબર, શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી દ્વારા લોગઈન કરીને ડાઉનલોડ કરી શકાશે. શાળાએ હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના ફેબ્રુઆરી 2026 ના પરીક્ષામાં આવેદનપત્રો મુજબના વિષયો અને માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાથીની સહી વર્ગ શિક્ષકની સહી અને આચાર્યના સહિ સાથે વિદ્યાર્થીને આપવાની રહેશે. જ્યારે પરીક્ષાથીને હોલ ટિકિટ શાળા દ્વારા આપવામાં આવે ત્યારે તે મળી ગયાની ખાતરી માટે વિદ્યાર્થી પાસે સહી કરાવી લેવાની રહેશે. જો પરીક્ષાથીના વિષયો માધ્યમ કે અન્ય કોઈ બાબતમાં વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો સંપર્ક સાધવા માટે બોર્ડના સચિવ દ્વારા શાળા સંચાલકોને જણાવાયું છે.