ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજી એક વર્ષ કરતાં વધુનો સમય બાકી છે, ત્યારે રાજ્યના સામાજિક અને રાજકીય સમીકરણો અત્યારથી જ ચર્ચાના કેન્દ્રમાં આવવા લાગ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા મા ઉમિયા, મા અર્બુદા અને મા ખોડિયાર ત્રણેય સગી બહેનો છે તેવું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં એક સામાજિક મંચ પરથી પ્રફુલ પટેલે પાટીદાર અને ચૌધરી સમાજની એકતા પર ભાર મૂકતા કરેલી ટિપ્પણીએ ઉત્તર ગુજરાતથી લઈને સમગ્ર રાજ્યમાં તર્ક-વિતર્ક જગાવ્યા છે.
કાર્યક્રમના મંચ પરથી સંબોધન કરતા પ્રફુલ પટેલે સમાજની વાતો કરવાના સંદર્ભમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના જુદા જુદા ઘટકો પોતપોતાના સમાજની વાતો કરે છે, અને આજના આ મંચ પરથી તેમની વાત કેટલી ઉચિત ગણાશે તેની તેમને ખાસ ખબર નથી, પરંતુ હૃદયમાં જે ભાવ પડેલો છે તે તેઓ રજૂ કરી રહ્યા છે. પ્રફુલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મા ઉમિયા, મા અર્બુદા અને મા ખોડિયાર ત્રણેય સગી બહેનો છે, ત્યારે લોકો શું કરવા જુદા પડે છે. તેમના આ સવાલે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો તેમજ સમાજના અગ્રણીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રફુલ પટેલના આ નિવેદનને ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલે સમર્થન આપ્યું છે અને આ પહેલને આવકારી છે. મહેન્દ્ર પટેલે જણાવ્યું કે ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ, જેમાં લેઉવા અને કડવા એમ બંને સમાજનો સમાવેશ થાય છે, તેમનો મૂળભૂત ઇતિહાસ એક જ છે. તેમના મતે પૂર્વજો ધીરે ધીરે સ્થળાંતર કરીને જુદા જુદા વિસ્તારોમાં વસ્યા છે, પરંતુ તમામ લોકો ખેતી સાથે જોડાયેલા રહ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા કે મહેસાણા જેવા વિસ્તારોમાં જોવામાં આવે તો આજે પણ બંને સમાજની સામાજિક રહેણીકરણી એકસરખી જ જોવા મળે છે.
બંને સમાજ આગામી સમયમાં વધુ નજીક આવે અને એકતા મજબૂત બને તે માટે મહેન્દ્ર પટેલે 'રોટી-બેટી'નો સંબંધ શરૂ કરવાની વાત પણ મૂકી છે. તેમણે કહ્યું કે બંને સમાજ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર ચાલુ થાય અને સામાજિક રીતે બંને જોડાય તે અત્યંત જરૂરી છે. આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં લગ્ન અને સામાજિક રિવાજો આજે પણ એકસરખા જ છે, તેથી આ વ્યવહાર શરૂ થાય તો બંને સમાજ ઝડપથી નજીક આવી શકે છે. આ ઉપરાંત તેમણે એવું પણ ઉમેર્યું કે અન્ય રાજ્યોમાં વસતા કુર્મી સહિતના મૂળ પાટીદાર સમાજો પણ જો એક થાય તો તેમાં કોઈ ખોટું નથી.
મહેન્દ્ર પટેલે આ સમગ્ર મામલે ધાર્મિક અને ઐતિહાસિક સંદર્ભ પણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઇતિહાસ મુજબ ભગવાન શંકરના તાંડવથી ૫૧ શક્તિપીઠ બન્યા હતા, જે તમામ શક્તિપીઠ જ છે. અર્બુદા માતા ગણો, ઉમા ગણો કે પછી લેઉવા પટેલો જેમને માને છે તે ખોડલ માતા ગણો, પરંતુ બધી દેવીઓ એક જ છે અને બધાનું ઉદ્ભવ સ્થાન ઉમિયા માતા છે. આ આધારે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ બધા એક જ કુળના સંતાનો છે.
બીજી તરફ સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ પણ પ્રફુલ પટેલના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજના દરેક માતાજી સગાં બહેનો છે તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, તો તેના સંતાનોએ પણ એક થવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આજના સમયમાં જો વિકાસ કરવો હોય તો દરેક સમાજને સાથે રાખીને ચાલવું જરૂરી છે.
જોકે, આ સમગ્ર મામલે વિપક્ષ તરફથી તીખી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા અને પાટીદાર આગેવાન લલિત વસોયાએ પ્રફુલ પટેલની વાત સાથે અસહમતી વ્યક્ત કરતા તેને સંપૂર્ણપણે રાજકીય ગણાવી છે. લલિત વસોયાએ કહ્યું કે મા ઉમિયા, મા ખોડિયાર અને મા અર્બુદાને સગી બહેનો ગણાવવામાં આવી રહી છે, પરંતુ દરેકના અલગ-અલગ ઇતિહાસ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ખેતી કરતો હોય તે પાટીદાર હોવાની આ વાત પ્રફુલભાઈને આજે કેમ ખબર પડી.
લલિત વસોયાએ આક્ષેપ કર્યો કે સમાજના ભાગલા પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે. તેમના મતે દરેક પટેલ અને દરેક પાટીદાર એક જ છે, પરંતુ ચૌધરી સમાજના મંચ પરથી પ્રફુલ પટેલે કરેલી આ વાત સો ટકા રાજકીય છે. આટલા વર્ષો પછી મંચ પરથી આવી વાત કરવી તે શોભતી નથી અને તેથી તેઓ આ નિવેદન સાથે અસમત છે. આમ, એક ધાર્મિક અને સામાજિક મહોત્સવમાંથી શરૂ થયેલી એકતાની ચર્ચા હવે સામાજિક માન્યતાઓ અને રાજકીય દાવપેચ વચ્ચે વધુ તીવ્ર બની રહી છે.