BREAKING NEWS

જામનગરમાં ૫૮ વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક પસેક્રેટ હાર્ટ ચર્ચમાં આજે પ્રેયર

  • December 24, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેરમાં છેલ્લા ૫૮ વર્ષથી એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચ કે જેમાં પ્રતિવર્ષ નાતાલની ભવ્ય ઉજવણી થાય છે અને ભગવાન ઈસુના જન્મની વધામણી અને પ્રાર્થના સહિતના અનેક કાર્યક્રમો યોજાય છે. જામનગર શહેરમાં આશરે ૩૦૦ જેટલા કેથોલીક પરિવારો વસવાટ કરે છે, જેઓ દ્વારા આ વખતે પણ ભવ્ય ઉજવણી થાય તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. જોકે અન્ય કેથોલિક પરિવાર સિવાયના જુદા જુદા નાના ચાર ચર્ચ પણ આવેલા છે, જ્યાં પણ નાતાલની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે.


જામનગરની મધ્યમાં અંબર ચોકડી પાસે આવેલું સેક્રેડ હાર્ટ ચર્ચ કે જેની જામનગરમાં સ્થાપના ૧૯૬૭ માં થઈ હતી. તે વર્ષથી આ ચર્ચમાં પવિત્ર યુક્રેટીસ્ટ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. તે કેથોલિક ધર્મનું છે. આ ચર્ચમાં રવિવારે સવારે ૮.૩૦ અને સાંજે ૬ વાગ્યે અને અઠવાડિયાના દિવસોમાં સાંજે ૬ વાગ્યે પવિત્ર પ્રાર્થના થાય છે. રેવ. ફાધર ડો. મનુ ચેરુમુત્તથુપદી પેરિશ પાદરી છે. જે આ ચર્ચમાં કેથોલિક વિશ્વાસુઓના આધ્યાત્મિક વિકાસનું ધ્યાન રાખે છે. અહી કેથોલીક પરિવારના સભ્યો શ્રદ્ધા તેમજ અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં એક પરિવાર તરીકે જોડાય છે. બાળકો દર રવિવારે શ્રદ્ધા વર્ગમાં જોડાય છે. ચર્ચ ઉત્સાહી યુવાનો અને ઉત્સાહી પેરિશિયનોથી જીવંત છે.


જામનગરમાં ચર્ચના અન્ય સંપ્રદાયો પણ છે, જેમ કે ફાધર જીતિનના નેતૃત્વમાં માર્ટોમા ચર્ચ અને ફાધર બિનુના નેતૃત્વમાં સેન્ટ ગ્રેગોરિયસ ઓર્થોડોક્સ ચર્ચ, તેમજ લીમડાલાઇન અને ખોડીયાર કોલોની વિસ્તારમાં પણ અન્ય બે ચર્ચ આવેલા છે. જ્યાં દાન અને સેવાના કાર્યો દ્વારા ઈસુના પ્રેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નાતાલ એ માનવતા માટે ભગવાનના પ્રેમનો ઉત્સવ છે શાંત રાત્રે શાળાના કાર્યક્રમ, પેરિશ ઉજવણી અથવા પ્રાર્થના સેવા માટે યોગ્ય નાતાલનું ટૂંકું વર્ણન છે અને નાતાલ એ માનવતા પ્રત્યેના ભગવાનના મહાન પ્રેમનો ઉત્સવ છે.


બેથલેહેમમાં શાંત રાત્રે, ભગવાનનો જન્મ મહેલમાં નહીં, પરંતુ એક નમ્ર ગમાણમાં થયો હતો. તે બાળપણમાં આવ્યો હતો - નિરાશામાં રહેલા લોકો માટે આશા, અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ અને વિશ્વમાં શાંતિ લાવતો. જ્યાં દૂતોએ ગાયું, ભરવાડોએ આનંદ કર્યો અને જ્ઞાનીઓએ પૂજા કરી. નાતાલએ બધા સાથે પ્રેમ, આનંદ, ક્ષમા અને દયા વહેંચીને સર્વેના હૃદયમાં ઈસુનું સ્વાગત કરવા માટેનો પર્વ છે. ઈસુખ્રિસ્તનો પ્રકાશ પ્રત્યેકના જીવનમાં ચમકવા અને તેમની શાંતિનું સાધન બનાવવું જોઈએ.


ખ્રિસ્તીઓ તરીકે આ ભૂમિમાં આપણા જીવન દ્વારા આપણા પ્રભુના આ પ્રેમ, કરુણા અને દયાનો સંચાર કરવાનો તહેવાર છે. આજે ૨૪ ડિસેમ્બરે રાત્રે ૧૨.૦૦ વાગ્યે મધ્યરાત્રિ માસ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવશે અને કેથોલિક પરિવારોના સર્વે સમાજમાં ઈસુની શાંતિ અને ખુશી પ્રસરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
​​​​​​​

જામનગરના સેક્રેટ હાર્ટ ચર્ચના ફાધર મનુ, કે જેઓ દ્વારા છેલ્લા પખવાડિયા દરમિયાન ખ્રિસ્તી સંપ્રદાયના ઘેર-ઘેર જઈ પ્રાર્થના સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જયારે ખ્રિસ્તી પરિવારો દ્વારા પોતાના ઘરમાં પણ ક્રિસમસ ટ્રીનું નિર્માણ કરી તેમજ મકાનોને પણ ઝળહળતી રોશનીથી સજજ કરવામાં આવી રહ્યા છે. જામનગરની મધ્યમાં આવેલી સેન્ટઆન્સ સ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કે જે બંને શાળાઓમાં પણ નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને સ્કૂલ પરિસરને ઝળહળતી રોશનીથી સજજ બનાવાય છે, જ્યારે ભગવાન ઈશુના જન્મ સમયની કેટલીક ઝાંખી પણ તૈયાર કરવામાં આવે છે, જેને નિહાળવા માટે પણ નગરજનો બહોળી સંખ્યામાં ઉમટેલા જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application