આજથી ૧૫ વર્ષ પૂર્વે છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી કરાઇ ત્યારે રાજકોટની વસતી ૧૩ લાખ હતી, પરંતુ ત્યારબાદ ૨૦૧૫માં કોઠારીયા, વાવડી સહિતના બે ગામો અને ૨૦૨૦માં માધાપર, મનહરપુર-૧ (પાર્ટ), ઘંટેશ્વર, મુંજકા અને મોટા મવા સહિતના પાંચ ગામો મળી કુલ સાત સરહદી ગામો રાજકોટમાં ભળ્યા છે આથી હાલ રાજકોટની વસતી ૨૫ લાખે પહોંચ્યાનો બિન સત્તાવાર અંદાજ છે. દરમિયાન આજથી રાજકોટ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ શહેરમાં વસતી ગણતરીની કામગીરી શરૂ કરાઇ છે.
ભારતની જનગણના-૨૦૨૭ની રાજકોટ મહાપાલિકા વિસ્તારની કામગીરી રાજકોટ મહાપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, આ કામગીરી માટે ભારત સરકારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ડેપ્યુટી કમિશનર એચ.આર.પટેલને સિટી સેન્સસ ઓફિસર તરીકે તેમજ પ્રણય ડી.પંચાલ મેનેજર, ચૂંટણી શાખાને સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે.
ભારતની જન ગણનાને રાજકોટ મહાપાલિકા વિસ્તારની કામગીરીને કુલ ૧ થી ૧૮ વોર્ડ/ચાર્જમાં વહેચવામાં આવી છે, રાજકોટ મહાપાલિકાને રાજકોટ શહેર ઉપરાંત આઉટર ગ્રોથ વિસ્તાર જેમાં બેડી, રોણકી તેમજ મનહરપુર-૨ની કામગીરી પણ સુપ્રત કરાઇ છે, વોર્ડના ચાર્જ ઓફિસર તરીકે વોર્ડ ઓફિસરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
સને-૨૦૧૧ની જનગણનાં સીમાંકન મુજબ આધારભૂત તેમજ અંદાજીત વસ્તીને આધારે રાજકોટ મહાનગરપાલિકાનાં અંદાજીત બ્લોકની સંખ્યા-૩૫૩૫ ગણવામાં આવી છે,રાજકોટ મહાપાલિકા વિસ્તારની કામગીરી માટેના ચાર્જ ઓફિસરને તાલીમ આપવા નિરજ એમ.વ્યાસને માસ્ટર ટ્રેનર તરીકે તેમજ નગર પ્રાથમિક શાળા હસ્તકની શાળાઓના સી.આર.સી ને તેમજ મુખ્ય શિક્ષકને ફિલ્ડ ટ્રેઈનર તરીકે નિમણુંક કરાઇ છે.
જનગણનાં-૨૦૨૭ની કામગીરી સુપર્ણપણે ડીજીટલી હાથ ધરવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રશ્નોની માહિતી પૂરી પાડવા રાજકોટ શહેરની જનતાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનરશ્રી, દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
વસ્તી ગણતરીની મ્યુનિ.કમિશનર સુમેરાની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી જેમાં નાયબ કમિશનર એચ.આર.પટેલને સિટી સેન્સસ ઓફિસર તરીકે તેમજ પ્રણય ડી.પંચાલ મેનેજર, ચૂંટણી શાખાને સેન્સસ ઓફિસર, દિગમ શાહ નોડલ ઓફિસર, સંજય કુમાર અને નિશાંત કુમાર નોડલ ટીમ હાજર રહ્યા હતા.
આજથી તા.૫ એપ્રિલ સુધી બ્લોક રચના
જનગણના-૨૦૨૭ની કામગીરી માટે અંદાજે ૧૫૦ થી ૨૦૦ મકાનના બેઇઝ ગણી બ્લોક બનાવવાની કામગીરી તા.૧.૪.૨૦૨૬થી તા.૫.૪.૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
તા.૨૦ એપ્રિલથી તા.૧૯ મે હાઉસ લિસ્ટીંગ
બ્લોક બન્યા બાદ શાળા-કોલેજોના પ્રાધ્યાપક તેમજ સરકારી અધિકારીઓ-કર્મચારીઓને ગણતરીદાર તેમજ સુપરવાઇઝર સહિત કુલ ૪૭૦૦ જેટલા સ્ટાફ દ્વારા તા.૨૦.૪.૨૦૨૬થી તા.૧૯.૫.૨૦૨૬ સુધી હાઉસ લિસ્ટીંગ થશે.