BREAKING NEWS

જામનગરમાં વસતી ગણતરી-૨૦૨૭ની તૈયારી શરૂ

  • January 19, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે ભારતની વસતી ગણતરી-૨૦૨૭ હાથ ધરવાની મંજૂરી આપી છે. ત્યારે જામનગરમાં આ વસતી ગણતરીની તૈયારી શરૂ કરવામાં આવી છે. કારણ કે, મહાનગરપાલીકાએ વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના શૈક્ષણીક કર્મચારીઓની  યાદી તૈયાર કરી મોકલવા આચાર્યોને  આદેશ કર્યો છે. દેશમાં બે તબકકામાં થનારી વસતી ગણતરીમાં પ્રથમ તબકકામાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશેેે. વસતી ગણતરી ડેટા એકત્રીત કરવા ગણતરીદારો અને સુપરવાઇઝરો પોતાના મોબાઇલનો ઉપયોગ કરશે.


ભારતની વસતી ગણતરી-૨૦૨૭ બે તબકકામાંં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબકકામાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે. બીજા તબકકામાં પોપ્પુલેશન ઇન્યુમેરેશન(પીઇ) ફેબ્રુઆરી-૨૦૨૭ માં થશે.  જયારે સંઘ પ્રદેશ લદાખ તથા જમ્મુ કશ્મીર અને હીમાલય, ઉતરાખંડડ રાજયોના હીમાચ્છાદીત બરફથી ઢંકાયેલા ક્ષેત્રોમાં સપ્ટેબર-૨૦૨૬માં પીઇ હાથ ધરાશે. વસતી ગણતરીના ડેટા સંગ્રહની ગુણવતા સુધારવા અને ઝડપી ડેટા પ્રકાશને સક્ષમ કરવા માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરાશે. જામનગરમાં પણ વસતી ગણતરીની તૈયારી શરૂ કરવામાં આવી છે. કારણ કે, જામ્યુકો દ્રારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના શિક્ષકોની યાદી તૈયાર કરી મોકલવા આચાર્યોને આદેશ કરાયો છે.


આ પરિપત્રમાં જણાવ્યાનુસાર શાળાના તમામ શૈક્ષણીક કર્મચારીઓની યાદી નિયત નમૂના અને ફોન્ટમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરી મોકલવા જણાવાયું છે. આટલું જ નહીં શારીરીક ખોડખાંપણ,મેટરનીટી લીવ, ગંભીર બીમારી ઘરાવતા શિક્ષકો અને શિક્ષીકાઓના નામ પણ મોકલવાના રહેશે. રીટાર્યડ થઇ ગયા પછી જે શિક્ષકો અને શિક્ષિકાઓ સ્કૂલમાં ફરજ બજાવતા હોય તેવા નામ મોકલવાના રહેશે નહીં. જે શિક્ષકો અને શિક્ષીકાઓ બીએલઓ તરીકે નિમણૂંક થયા હોય તો તેના નામની સામે બીએલઓ દર્શાવાનું રહેશે. આટલું જ નહીં શાળાના શૈક્ષણીક કર્મચારીઓની યાદીમાં શાળાનું નામ, નંબર, સરનામું, શાળાનું ઇ-મેઇલ એડ્રેસ, લેન્ડલાઇન નંબર, આચાર્યનું નામ અને તેના સંપર્ક નંબર, સીનયોરીટી મુજબ શિક્ષકનું નામ, ધોરણ, શિક્ષકના રહેઠાણનું સરનામું, રહેઠાણનો વોર્ડ નંબર, શિક્ષકના મોબાઇલ નંબર પણ દર્શાવાના રહેશે. 


વસતી ગણતરી અધિનિયમ મુજબ વસતી ગણતરી કાર્યકર્તાઓને નિયુકત કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વસતી ગણતરી કાર્યકર્તાઓને માનદ વેતન ચૂકવવામાં આવશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ડાયરેકટોરેટ ઓફ સેન્સસ ઓપેરેશન્સ વિભાગ દ્રારા જુદા-જુદા સ્તરની વસતી ગણતરી માટે માનદ વેતન નકકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબકકામાં ઘરયાદી અને મકાનોની ગણતરી માટે રૂ.૯૦૦૦, બીજા તબકકામાં વસતી ગણતરી માટે રૂ.૧૬૦૦૦ મળી કુલ રૂ.૨૫૦૦૦ માનદ વેતન ચૂકવાશે. વસતી ગણતરીનો ડેટા એકત્રીત કરવા અને અન્ય સંબધિત કામગીરી માટે ગણતરીદારો અને સુપવાઇઝરો પોતાના મોબાઇલનો ઉપયોગ કરશે. વધુમાં ફાળવેલી વસતી ગણતરી બ્લોક(ઓ)ની મુલાકાત માટે કોઇ અલગથી ટીએ ડીએ ચૂકવવામાં આવશે નહીં. વસતી ગણતરી માટે નોડલથી લઇને કલાર્ક સુધીના અધિકારીઓને કુલ રૂ.૩૦૦૦૦ થી ૭૫૦૦૦ સુધીનું માનદ વેતન ચૂકવવામાં આવશે.


ભારતની વસતી ગણતરી-૨૦૨૭ મોબાઇલ એપ્લીકેશન દ્રારા ડેટા સંગ્રહ, વસતી ગણતરી સંચાલન અને નીરીક્ષણ પઘ્ધતિ પોર્ટલનો ઉ૫યોગ ઘરયાદી બ્લોકની રચના, વેબ એપ્લીકેશન , સ્વ ગણતરી પોર્ટલ વગેરે જેવી ઘણી નવી પહેલની રજૂઆત સાથે તકનીકી રીતે સઘન બનશે. રાજય, સંઘ પ્રદેશ,જિલ્લા અને ચાર્જ સ્તરે ટેકનીકલ આસીસ્ટન્ટ સહાયકરૂપે આપવામાં આવશે. તદઉપરાં કચેરીની સહાય માટે રાજય-સંઘ પ્રદેશ અને જિલ્લા સ્તરે મલ્ટી-ટાસ્કીંગ સ્ટાફ પણ ઉપલબ્ધ કરાવામાં આવશે. ટેકનીકલ આસીસ્ટન્ટને વધુમાં વધુ મહેનતાણું પ્રતિ મહીને રૂ.૨૫૦૦૦ અને એમટીએસને રૂ.૧૮૦૦૦ આપવામાં આવશે. અન્ય કોઇ નાણાકીય સહાય આપવામાં આવશે નહીં. આ મેનપાવર ટૂંકા સમય માટે કરાર આધારીત નિયુકત કરવામાં આવશે. જિલ્લા, મહાનગરપાલીકા અને ચાર્જ સ્તરે મેનપાવરની નિમણૂંક પ્રમુખ વસતી ગણતરી અધિકારી(જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેકટર, ડેપ્યુટી કમિશ્નર, મ્યુનિસીપલ કમિશ્નર દ્રારા રાજયના વર્તમાન નાણાકીય નિયમોનું પાલન કરીને કરવાની રહેશે. આ મેનપાવરની ભરતી સીધી નિમણૂંક દ્રારા નહીં પરંતુ આઉટસોર્સીંગ એજન્સીના માઘ્યમથી કરવાની રહેશે. આ કામ કરી શકે તેવા નિવૃત સરકારી કર્મચારી પણ નિમણૂંક માટે માન્ય કરી શકશે. 


ગણતરીદારો અને સુપરવાઇઝરોને તાલીમ આપવામાં આવશે

વસતી ગણતરી માટે નિયુકત ગણતરીદારો અને સુપરવાઇઝરો તથા અન્ય કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવશે. આ માટે સંપૂર્ણ તાલીમનું માળખાકીય રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ રાષ્ટ્રીય પ્રશિક્ષકથી શરૂ કરીને જેઓ માસ્ટર ટ્રેનરોને તાલીમ આપશે. આ માસ્ટર ટે્રનરો ૪૪૦૦૦ ફીલ્ડ ટ્રેનરોને તાલીમ આપશે. આ ફીલ્ડ ટ્રેનરો અંદાજે ૩૧ લાખ વસતી ગણતરીદારો અને સુપરવાઇઝરોને તાલીમ આપશે. આ તાલીમ માટે પ્રતિ દીવસ વ્યકિતને રૂ.૬૦૦ થી ૯૦૦ નાણાકીય સહાયની જોગવાઇ કરાઇ છે. 


જિલ્લા અને ચાર્જ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે સહાય મળશે

ભારત સરકાર દ્રારા રાજય, જિલ્લા અને ચાર્જ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે સહાયતાને મંજૂરી આપવામાં આવી છે. વસતી ગણતરી માટે હાર્ડવેર અને સોફટવેર જેમકે કોમ્પ્યુટર, સોફટવેર, પ્રીન્ટર, યુપીએસ,ઇન્ટરનેટ જોડાણ સહીતની વસ્તુ ખરીદવા માટે એક વખત ગ્રાન્ટ અપાશે. કામગીરીના સંચાલન, નીરીક્ષણ અને નિયંત્રણ માટે અધિકારીઓએ સતત મુસાફરી કરવાની રહેશે. જિલ્લા અને મહાનગરપાલીકા સ્તરે આઇટી ઇન્ફાસ્ટ્રકચર માટે રૂ.૫ લાખ, પીઓએલ-વાહનો ભાડે લેવા માટે રૂ.૫ લાખ અને ચાર્જની દેખરેખ માટે આકસ્મીક રૂ.૫ લાખ રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application