BREAKING NEWS

બાળકો માટે હવે રાત્રે 12થી સવારે 6 સુધી ઈન્સ્ટાગ્રામ-ફેસબુક બંધ કરવાની તૈયારી

  • August 27, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે મેટાએ બાળકો અને કિશોરોને ધ્યાનમાં રાખીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર વધતો સ્ક્રીન ટાઇમ અને ખાસ કરીને મોડી રાત સુધી બાળકોની ઓનલાઈન સક્રિયતા ઘટાડવા માટે ‘ડિજિટલ બેડટાઇમ’ સહિત અનેક નવા પગલાં લેવામાં આવી રહ્યા છે.


નવી વ્યવસ્થા હેઠળ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની યોજના છે. આ ઉપરાંત રાત્રિના સમય અને સ્કૂલના કલાકો દરમિયાન નોટિફિકેશન પણ ઓછા કરવામાં આવશે. મેટાએ આ સુવિધાઓનું ટ્રાયલ શરૂ કરી દીધું છે.


બાળકોની સોશિયલ મીડિયા એક્ટિવિટી ઘટાડવા માટે સગીર વપરાશકર્તાઓની પોસ્ટ પર મળતા લાઇક અને રિએક્શનની સંખ્યા પણ છુપાવવામાં આવી શકે છે. આ ઉપરાંત કિશોરો માટે કોસ્મેટિક સર્જરી સાથે જોડાયેલા કેટલાક ફિલ્ટર્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.


મેટા પોતાના પ્લેટફોર્મ પર ઉંમરની ચકાસણી એટલે કે એજ એસ્યોરન્સ સિસ્ટમ અને પેરેન્ટલ કંટ્રોલને પણ વધુ મજબૂત બનાવશે. ઇન્ફીનીટ સ્ક્રોલની આદત ઘટાડવા માટે પણ પ્લેટફોર્મના અનુભવમાં કેટલાક અવરોધ ઊભા કરવામાં આવશે, જેથી બાળકો સતત સ્ક્રોલ કરતા ન રહે.


કિશોરોને નોન-પર્સનલાઇઝ્ડ ફીડનો વિકલ્પ પણ આપવામાં આવશે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એલ્ગોરિધમ યુઝરની પસંદગી અને વર્તનના આધારે કન્ટેન્ટ બતાવે છે, જેના કારણે લોકો લાંબા સમય સુધી પ્લેટફોર્મ પર રહે છે.


નવી વ્યવસ્થામાં કિશોરો એવા ફીડની પસંદગી કરી શકશે જેમાં એલ્ગોરિધમ આધારિત વ્યક્તિગત કન્ટેન્ટની જગ્યાએ સામાન્ય કન્ટેન્ટ જોવા મળશે.આ ફેરફારો પાછળ મેટા સામે ચાલી રહેલા કાનૂની કેસને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2023માં અમેરિકાના 29 રાજ્યોના એટર્ની જનરલે ફેડરલ કોર્ટમાં મેટા સામે કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને બાળકો અને કિશોરોને લાંબા સમય સુધી પ્લેટફોર્મ પર જાળવી રાખવા માટે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.


રાજ્યોનો આરોપ હતો કે મેટાને તેના પ્લેટફોર્મથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર થતી સંભવિત અસરોની જાણકારી હતી, છતાં કંપનીએ માતા-પિતા અને જનતાને આ જોખમો અંગે યોગ્ય માહિતી આપી નહોતી. કંપની પર 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માતા-પિતાની યોગ્ય સંમતિ વિના માહિતી એકત્રિત કરીને અમેરિકાના ફેડરલ ચાઇલ્ડ-પ્રાઇવસી કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ કેસની ટ્રાયલ 18 ઓગસ્ટથી શરૂ થઈ છે. મેટાના પૂર્વ સેફ્ટી એન્જિનિયર આર્ટુરો બેઝારની કોર્ટમાં થયેલી ગવાહીએ કંપની માટે મુશ્કેલી વધારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application