આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેવભૂમિ દ્વારકાના પ્રવાસે પહોંચશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ આજે બપોરે રાજકોટના હીરાસર એરપોર્ટ ઉતર્યા હતા અને તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિકારીઓનો કાફલો તૈનાત રહ્યો હતો, તેમજ મંત્રી, ધારાસભ્ય, કલેકટર, મેયર સહિતના મહાનુભાવો પણ સ્વાગતમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલથી રાષ્ટ્રપતિ સોમનાથ, સાસણ, દ્વારકા પ્રવાસે જશે, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ કરવામાં આવી છે. દ્વારકામાં પણ તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે.
આવતીકાલે સોમનાથ, સાસણ પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારકા ખાતે જશે, એ પહેલા જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે અને તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ જામનગરથી દ્વારકા ખાતે પહોંચી દ્વારકાધીશના દર્શન કરશે તેમજ પાદુકા પૂજન અને ઘ્વજારોહણ કરશે.
દ્વારકા ખાતે આવતીકાલે દ્રૌપદી મુર્મુ પહોંચશે ત્યારે કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિક્ષક, નગરપાલિકા, ફાયર સ્ટાફ સહિતના વિભાગો દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. વહીવટી તંત્રએ રાષ્ટ્રપતિના રૂટ પર તેમજ જગતમંદિર સહિતના સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુરૂવારે સવારથી પોલીસ દ્વારા રીહર્સલ સહિત સમગ્ર વહીવટી તંત્રની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડથી બસ સ્ટેશન રોડ, રબારી ગેઇટ, હોસ્પિટલ રોડ, સર્કીટ હાઉસ, ઇસ્કોન ગેઇટ, સનાતન સેવા મંડળ, હાથી ગેઇટથી જગતમંદિર સુધીના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જગતમંદિરમાં પૂજારી દ્વારા રાષ્ટ્રપતિના આગમન સમયે વિશેષ શણગાર કરવામાં આવવાનો છે. સમગ્ર રૂટમાં સઘન સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું છે તેમજ રોડ રસ્તાના નવીનીકરણ તેમજ ફાયર સેફટી સહિતની સુવિધાઓ સઘન બનાવી દેવામાં આવી છે.
દ્વારકામાં લગભગ છેલ્લા દોઢ બે મહિનાથી ચાલતી મુખ્ય સમસ્યાઓને પણ મુખ્યમંત્રીના આગમન પૂર્વે નિરાકરણ કરી દેવામાં આવ્યું છે. રાતોરાત રોડ રસ્તાઓના ખાડાઓ બુરી દેવામાં આવ્યા છે. જગતમંદિર રબારી ગેઇટ, હાથી ગેઇટથી સહિતના રોડ પર થતી ટ્રાફીકની મુખ્ય સમસ્યાને પણ હાલ દૂર કરી દેવાઇ છે. તેમજ જગતમંદિરના મુખ્ય ચોકમાં ઢોરની જે મુખ્ય સમસ્યા હતી તેને પણ દૂર કરી દેવાઇ છે અને શહેરના તમામ ઢોરને હાલ ડબ્બામાં પુરી દેવાયા છે. આવતીકાલે રાષ્ટ્રપતિના આગમન પૂર્વે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.