આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ ઝાટકે રૂપિયા ૧૨૦નો વધારો થયો છે, જેના કારણે ૧૫ કિલો વજનનો સિંગતેલનો ડબ્બો હવે રૂપિયા ૨૭૨૫ના ભાવે પહોંચ્યો છે. સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ પર ભાર વધ્યો છે, જ્યારે વેપારીઓ અને હોટલ વ્યવસાયીઓ માટે પણ ખર્ચમાં વધારો થયો છે.
રાજ્યભરના યાર્ડોમાં મગફળીની મબલખ આવક છતાં ભાવ વધ્યો
આ વર્ષે મગફળીની વિક્રમી ઉપજ નોંધાઈ છે. રાજ્યભરના યાર્ડોમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે, તેમ છતાં મગફળી અને તેના પરથી બનતા સિંગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો જોવા મળી રહ્યો છે. ખેતી બજારના જાણકારો મુજબ આ પરિસ્થિતિ પાછળ મુખ્ય કારણ સટોડિયાઓની સક્રિયતા છે. સટોડિયાઓ દ્વારા જથ્થાબંધ ખરીદી કરી માલ અટકાવવામાં આવતા બજારમાં કૃત્રિમ અછત સર્જાઈ છે, જેના કારણે ભાવ ઉંચા રહે છે.
સિંગતેલના ભાવમાં હજી વધુ તેજી જોવા મળી શકે
વેપારીઓનું માનવું છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં હજી વધુ તેજી જોવા મળી શકે છે. ખાસ કરીને તહેવારોની સીઝન નજીક આવતા માંગ વધવાની શક્યતા હોવાથી ભાવ પર તેની સીધી અસર પડશે. ગ્રાહકો અને ખેડૂતો બંને આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા યોગ્ય પગલાં લઈ બજારમાં ભાવ સ્થિરતા લાવવામાં આવશે, જેથી વધતી મોંઘવારી પર અંકુશ આવી શકે.