BREAKING NEWS

રાજકોટના બેડી યાર્ડમાં ૧૨ વર્ષે વેપાર ધંધા જામ્યા;દુકાનોના ભાવ ડબલ થયા

  • February 26, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડનું ૨૦૧૪-૧૫માં લોકાર્પણ કરાયા બાદ હવે ૧૨ વર્ષે સુવિધા વિકસતા વેપાર- ધંધા ધમધમી ઉઠ્યા છે અને દુકાનો તેમજ ગોડાઉનના ભાવ લગભગ ડબલ થઇ ગયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ કે જે આરટીઓ કચેરી પાસેના સંકુલમાં કાર્યરત હતું ત્યાંથી બેડી ગામ ખાતે સ્થળાંતરિત કરી નવા યાર્ડનું નિર્માણ કરાયું હતું ત્યારબાદ ક્રમશ: સુવિધાઓમાં વધારો થતા હવે યાર્ડ પૂર્ણ વિકસિત બન્યું છે. સારા ભાવ ઉપજતા હોવાને કારણે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ સુધી આવતા થયા છે જેના પગલે જણસીઓની આવકમાં પણ ઉત્તરોતર વૃધ્ધિ જોવા મળી રહી છે. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા દ્વારા બેડી યાર્ડમાં સુવિધાઓ વિકસાવવાની સાથે સાથે જુના યાર્ડ સંકુલનું રિનોવેશન કરવામાં આવતા ત્યાં આગળ પણ પરિસ્થિતિમાં સુધારો થયો છે. ખાસ કરીને યાર્ડમાં નિયમિત અચૂક હાજરી આપીને દરરોજ ખેડૂતો અને વેપારીઓને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળીને ઉકેલવાના ચેરમેનના અભિગમના કારણે મહત્તમ પ્રશ્નો ઉકેલાયા છે.


વેપાર ધંધા જામતા ન હોય વેપારીઓએ કષ્ટભંજન હનુમાન મંદિરનું નિર્માણ કર્યું

રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ કાર્યરત થયા બાદ વેપાર ધંધા જામતા ન હોય વેપારીઓ પરેશાન થઇ ગયા હતા, ૨૦૧૪માં લોકાર્પણ થયા બાદ ત્રણેક વર્ષે લોકો યાર્ડ સુધી આવતા થયા હતા ત્યાં ૨૦૧૬માં નોટબંધી પછી જીએસટી અને ૨૦૨૦માં કોરોના આવતા લાંબો સમય સુધી પરેશાનીઓ આવી હતી જેથી વેપારીઓએ સાથે મળીને યાર્ડના પ્રવેશદ્વારે કષ્ટભંજન હનુમાનજીના શિખરબંધ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિર નિર્માણ બાદ વેપાર ધંધા વિકસ્યાનું વેપારીઓ માની રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application