રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયના સીનીયર સેક્રેટરી આસિસ્ટન્ટ (ક્લાર્ક) દ્વારા આચરવામાં આવેલ ૨૩.૮૩ લાખની ઉચાપત કાંડનો ભાંડાફોડ થયા બાદ તેની સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ક્લાર્કને સસ્પેન્ડ કરી દેવામાં પછી આ ઉચાપત કાંડમાં હવે પ્રિન્સીપાલ ગંગારામ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવતા કેન્દ્રીય વિદ્યાલયમાં ચકચાર જાગી છે.
સુત્રો માંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયમાં નાણાકીય ઉચાપતમાં પ્રિન્સીપાલ ગંગારામ મીણાએ ૨૩.૮૩ લાખની ઉચાપત અંગે ક્લાર્ક દેવેન્દ્ર ગણાત્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી હવે આ કેસમાં પોતે જ દોષિત નીકળતા વડી કચેરી દ્વારા સસ્પેન્શનની કાર્યવાહી કરી અમદાવાદ બદલી કરી દેવામાં આવતા આ કૌભાંડમાં હજુ અન્ય ની સંડોવણી બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
કેન્દ્રીય વિદ્યાલયના બેંક એકાઉન્ટમાંથી મોટા પાયે લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ત્યારે શાળાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા ઉચાપતનું કારસ્તાન બહાર આવ્યું હતું. આ કેસમાં તપાસ કરવામાં આવતા કૌભાંડનો આંકડો ૩-૪ કરોડની આસપાસ હોવાનું માલુમ પડતા અધિકારીઓના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.
દેવેન્દ્ર ગણાત્રાએ દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય વિદ્યાલયને આપવામાં આવતી ગ્રાંટની રકમ ઘર ભેગી કરવા માટે પોતાના જ ઘરની ફૂડની પેઢી બનાવી હતી. તેમાં કેન્દ્રીય વિદ્યાલયમાંથી રકમ લઈ ઘરની બનાવવામાં આવેલી ફૂડની પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. દેવેન્દ્ર ગણાત્રાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, બેંકમાંથી જ ચેક લખવામાં આવતા હતા તે ચેકમાં રકમમાં થોડી જગ્યા ખાલી રાખવામાં આવતી હતી.આથી સહિ થઈ જાય તે પછી પાછળથી રકમ અને આંકડા નાંખવામાં આવતા હતા,આવી રીતે સરકારી કરોડોની રકમ ઘરભેગી કરવામાં આવી હોવાનું છાનાખૂણે ચર્ચાઈ રહ્યું છે.
કેન્દ્રીય વિધાલયમાં ૬ વર્ષથી ધમધમતું હતું આ કૌભાંડ
કેન્દ્રીય વિદ્યાલયનો સિનિયર સેક્રેટરી દેવેન્દ્ર ગણાત્રા ઘણા વર્ષોથી એકચક્રી શાસન ચલાવતો હોવાનું અને વર્ષોથી બેંક માંથી કરોડોની રકમની ઉચાપત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કટકે-કટકે આવી રીતે કરોડો રૂપિયા કટકટાવી લીધા બાદ પણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓને આ કૌભાંડની જવાબદાર અધિકારીને ધ્યાને ન આવ્યું ? તે પણ સવાલ ઊભા કરે છે.