BREAKING NEWS

વ્યાજમાફી સ્કિમ આપવા છતાં વેરો નહીં ભરતા બાકીદારોની ૧૯૮ મિલકત સીલ

  • February 14, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી વેરામાં વ્યાજમાફી આપવા છતાં પણ જે બાકીદારો વેરો ભરવાની તસ્દી લેતા નથી તેવા બાકીદારોની ૧૯૮ મિલકત સીલ કરતા વિવિધ બજારોમાં દોડધામ મચી ગઇ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અન્ય ૧૫૪૦ બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ ફટકારી હતી. જ્યારે મિલકત સીલ થતી રોકવા ૩૨૪૫ બાકીદારોએ ટેક્સ બ્રાન્ચની ટીમને સ્થળ ઉપર વેરો ભરપાઇ કરતા મનપાને રૂ.૧૦.૩૪ કરોડની વેરા વસૂલાત થઇ હતી.

વિશેષમાં મ્યુનિ.ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ, રિકવરી ડ્રાઇવ અંતર્ગત વોર્ડ નં.૨માં એક, વોર્ડ નં.૩માં ૧૭, વોર્ડ નં.૭માં સૌથી વધુ ૬૦૮, વોર્ડ નં.૧૩માં ૫૬, વોર્ડ નં.૧૭માં ૨૭, વોર્ડ નં.૧૪માં ૨૦ સહિત સેન્ટ્રલ ઝોનમાં કુલ ૯૫ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે ઇસ્ટ ઝોન હેઠળના છ વોર્ડમાં કુલ ૨૪ મિલકત અને વેસ્ટ ઝોનમાં કુલ ૧૦૩ મિલકતો સહિત સમગ્ર શહેરમાં કુલ ૧૯૮ મિલકતો સીલ કરવામાં આવી હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ સીલ થયેલ મિલકતો પૈકી ૧૫૪૦ને જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી. સીલિંગથી બચવા ચેક આપવામાં આવેલ ચેક રિટર્ન થયા હોય તેવા બાકીદારો સામે કોર્ટમાં ફરિયાદ કરવા સહિતના પગલા લેવામાં આવશે. આગામી તા.૩૧ માર્ચ સુધી લગાતાર મિલકત સિલીંગ, મિલકત જપ્તી અને જપ્ત કરેલી મિલકતોની હરરાજી સહિતની કાર્યવાહી ચાલુ રહેશે. વ્યાજમાફીની સ્કિમનો લાભ લઈને બાકીદારોને વ્હેલી તકે વેરો ચૂકતે કરવા મહાપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વ્યાજમાફીની સ્કિમ ૧૦ વર્ષ બાદ આવી છે જે તા.૩૧ માર્ચ સુધી અમલી રહેશે, ત્યારબાદ કોઇ પણ સંજોગોમાં સ્કીમની મુદ્દત લંબાશે નહીં.


વ્યાજમાફીથી ત્રણ દિ'માં ૪ કરોડની આવક

મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજમાફીની સ્કિમથી રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને ત્રણ દિવસમાં રૂ.ચાર કરોડની આવક થઇ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં ૧૬૨૧ બાકીદારોએ વ્યાજમાફીની સ્કિમનો લાભ મેળવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application