BREAKING NEWS

મહાપાલિકાની ટીપી સ્કિમોની જમીનની ઇ- ઓક્શનને કોર્ટમાં પડકારવા તજવીજ

  • February 05, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી ટી.પી.સ્કીમો હેઠળ જુદા-જુદા માલિકોની જમીનો ઉપર રાખવામાં આવેલ રિઝર્વેશન વાળા પ્લોટોનાં રાખવામાં આવેલા ઇ-ઓક્શન સામે જમીન માલિકો દ્વારા શરૂ કરેલ કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અત્રે યાદ રહે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૮/ ૧૨/ ૨૦૨૫ અને તા. ૧૯/ ૧૨/ ૨૦૨૫નાં રોજ દૈનિક અખબારોમાં અલગ-અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમો હેઠળનાં કુલ ૭ (સાત) પ્લોટોની ઇ-ઓક્શન અંગે જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં તા. ૧૭/ ૦૧/ ૨૦૨૬ અને તા. ૧૯/ ૦૧/ ૨૦૨૬ નાં રોજ ઇ-ઓક્શન યોજાવાનું દર્શાવવામાં આવ્યું હતું.

દરમિયાન ઉક્ત જાહેર થયેલ ઇ-ઓક્શન માટેના પ્લોટોમાં ૭ પ્લોટો એવા છે કે જેમાં ખાનગી જમીનમાલિકોનાં અવિભાજય હક, હિસ્સા તથા માલિકી હક્કો આજદિન સુધી યથાવત્ છે, તેમ છતાં કોર્પોરેશનએ કોઈપણ પૂર્વ નોટિસ, સુનાવણી કે કાયદેસર સંપાદન વિના, આ પ્લોટોને ઇ-ઓક્શન માટે મૂકી દીધા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આ સંદર્ભે, બે અસરગ્રસ્ત જમીનમાલિકોની તરફેથી કોર્પોરેશનને કાયદેસર રીતે વાંધાઓ તથા લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી.

તેમાં જમીનમાલિક ગોવિંદભાઈ એલ. સગપરીયાનાં 14,000 થી વધુ ચોરસ મીટરના પ્લોટ સંબંધિત નોટિસ કોર્પોરેશનને તા. ૩૧/ ૧૨/ ૨૦૨૫ નાંરોજ બજાવવામાં આવી હતી, તેમજ જમીનમાલિક મૌલિકભાઈ આર. મોકરીયા (સાંસદ રામભાઈ મોકરીયાના પુત્ર) ના 3700 થી વધુ મીટરના પ્લોટ અંગે નોટિસ તા. ૧૫/ ૦૧/ ૨૦૨૬નાં રોજ બજાવવામાં આવી હતી. જે અંગે જમીનમાલિકો

દ્વારા જાહેર જનતા તથા લાગતાં-વળગતા ખરીદદારો જોગ દૈનિક અખબારોમાં તા. ૦૧/ ૦૧/ ૨૦૨૬ અને તા. ૧૬/ ૦૧/ ૨૦૨૬નાં રોજ જાહેર ચેતવણી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ નોટિસોનાં અનુસંધાને, કોર્પોરેશન દ્વારા અગાઉ તા. ૧૭/ ૦૧/ ૨૦૨૬ તથા તા. ૧૯/ ૦૧/ ૨૦૨૬નાં રોજ યોજાનારી ઇ-ઓક્શન પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારબાદ નવી તારીખો તરીકે તા. ૨૧/ ૦૧/ ૨૦૨૬ તથા તા. ૨૨/ ૦૧/ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. પરંતુ ઉપરોક્ત નોટિસો છતાં કોર્પોરેશન દ્વારા આ નોટિસોનાં કોઈ પ્રત્યુત્તર આપ્યા વગર અને આ નોટિસોની અવગણનાં કરીને ઈ-ઓકશનની કાર્યવાહી આગળ વધારવામાં આવેલ હોય, પરંતુ જાહેર ચેતવણી પ્રસિદ્ધ થવાથી તે પ્રક્રિયામાં ઉપરોક્ત જણાવેલ પ્લોટો માટે ખરીદદારો તૈયાર ન થતાં, કોર્પોરેશનનો ઇ-ઓક્શનનો હેતુ સફળ થઈ શક્યો ન હોવાનું પ્રતીત થાય છે.

ઉક્ત બન્ને કેસોમાં, મુખ્યત્વે એ બાબત ઉપર વાંધાઓ લેવામાં આવ્યા છે કે ટી.પી.સ્કીમ હેઠળની સંબંધીત જમીનોનું આજદિન સુધી કાયદેસર રીતે સંપાદન થયેલ નથી, જમીનમાલિકોને વળતર ચૂકવવામાં આવેલ નથી, તેમજ ગુજરાત સરકારની લેન્ડ ડિસ્પોઝલ પોલિસી, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ તથા તેના નિયમોની જોગવાઈઓ મુજબ, કોર્પોરેશનને આવી જમીનનું વેચાણ, લીઝ, ઇ-ઓક્શન કે અન્ય કોઈપણ રીતે નિકાલ કરવાની કોઈ સત્તા પ્રાપ્ત થતી નથી. આ પ્લોટોનાં વેચાણ, લીઝ, ઇ-ઓક્શન કે અન્ય કોઈ રીતે નિકાલ કરવાની કોઈ સત્તા કે અધિકાર કોર્પોરેશનને નથી, છતાં ઇ-ઓક્શનની કાર્યવાહી કરવામાં આવતા પ્રાથમિક દ્રષ્ટિએ ઇ-ઓક્શનની સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર, મનમાની અને કાયદા વિરુદ્ધ હોવાનું સ્પષ્ટ થતું હોય, ઉક્ત ઇ-ઓક્શન સામે વાંધાઓ તથા કાયદેસર કાર્યવાહી સંદર્ભે, અસરગ્રસ્ત જમીનમાલિકોની તરફેથી એડવોકેટ ડી. એ. મેઘાણી, બી. ટી. આંબલિયા, અને આર. વી. ઘેલાણી દ્વારા કોર્પોરેશન સમક્ષ કાયદેસર વાંધાઓ રજૂ કરી લીગલ નોટિસ પાઠવવામાં આવી છે તથા આગળની જરૂરી ન્યાયિક કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application