રાજકોટ-જેતપુર નેશનલ હાઇ વે સિક્સ લેન પ્રોજેક્ટ અંતર્ગત શાપર-વેરાવળ જંક્શનના એપ્રોચ રોડ પાસેનો ઓવરબ્રિજ રદ કરવાની માંગણી સાથે આજે રાજકોટ કલેક્ટર કચેરીએ વેરાવળ એકતા સમિતિના નેજા હેઠળ ગ્રામજનોનું ટોળું ધસી આવ્યું હતું અને ૯૫૦ લોકોની સહી સાથે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી હાય હાય...ના ઉગ્ર સૂત્રોચ્ચાર તેમજ બોર્ડ બેનર ફરકાવી અને ઢોલ નગારા વગાડી ધબધબાટી બોલાવી હતી. ગ્રામજનો ઉમટી પડતા એક તબક્કે કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા હતા. ગ્રામજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે પ્રોજેક્ટમાં જ ન્હોતો તેવો ઓવરબ્રિજ ઉમેરી દેવામાં આવ્યો છે અને આ બ્રિજના લીધે શાપર વેરાવળના રહીશ ૧૫ હજાર પરિવારો અને પાંચ હજાર કારખાનાઓના સ્ટાફને હાલ ૫૦૦ મીટર દૂર રહેલા એપ્રોચ રોડ સુધી જવા બે કિલોમીટર જેટલું અંતર કાપવું પડે તેવી સ્થિતિ સર્જાશે.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને વેરાવળ એકતા સમિતિના નેજા હેઠળ પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામ નજીક આવેલ નેશનલ હાઈવે નં.૨૭ ઉપર કેપ્ટન ગેઈટ, વેરાવળથી શિતળા માતાજીના મંદિર, પારડી તરફનો ઓવરબ્રિજ બનવા અંગે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આશરે પાંચેક હજાર નાના-મોટા કારખાનાઓ તથા આશરે પંદર હજાર જેટલા રેસિડેન્સ મકાનો આવેલા છે, શાપર-વેરાવળ મેઇન જંકશન ઉપર જવાનો એપ્રોચ હાઇવેથી આશરે ૫૦૦ મીટર જેટલો દુર આવેલો છે જે આ પુલ બને તો આ એપ્રોચ આશરે બે કિલોમીટર જેટલો દુર જતો રહે તેમ છે જેનાથી તમામ ઈન્ડસ્ટ્રીઝ અને રહીશોનો ખુબ જ મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે તેમજ અહિયાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ફાયર સ્ટેશન બન્ને આવેલા હોય, આગ-અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં સમયસર પહોંચી શકાય નહીં અને સમયસર સારવારના અભાવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તેવી શકયતા રહેલ છે.
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે, હાલમાં શાપર-વેરાવળ જંકશન ઉપર પોલીસ સ્ટેશન આવેલ છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના કામે પોલીસને ગમે તે દિશામાં જવા માટે યોગ્ય એપ્રોચ છે પરંતુ જો બ્રિજ બને તો પોલીસને હાઈવે પકડવા માટે જ ટ્રાફિકના લીધે આશરે ચાર ગણો વધારે સમય લાગી શકે તેમ હોય જેથી ગુનાખોરીમાં વધારો થવાની શક્યતા રહેલ છે.સર્વિસ રોડ ઉપર સ્કુલ, હાઈસ્કુલ અને પોસ્ટ ઓફિસ જેવી જાહેર સુવિધાઓ આવેલ છે તથા વિદ્યાર્થીઓને અવરજવર માટે હાલમાં સર્વિસ રોડ અને હાઈવેનો એપ્રોચ સવલત ભરેલ છે પરંતુ જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો તમામ જગ્યાએ જવા માટે આશરે બે કિલોમીટર જેટલું ફરવું પડે અને ભયંકર ટ્રાફિકની યાતના ભોગવવી પડે જેનાથી વિદ્યાર્થીઓ, કામદારો, અશક્ત વૃધ્ધો વિગેરે તમામ લોકોની રોજીંદી જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થાય તેમ છે.
આવેદનપત્રમાં એવી ચિમકી પણ આપવામાં આવી છે કે જો ઉપરોક્ત ઓવરબ્રિજનું કામ મુલત્વી રાખી સાત દિવસમાં લોકહિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગ્રામજનો દ્વારા કલેકટર કચેરી ખાતે અનશન રાખી ધરણાં કરવામાં આવશે.
દિલ્હી સુધી દોડી લ્યો બ્રિજ ત્યાં જ બનશે
રાજકોટ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં એવો આક્ષેપ કર્યો છે કે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી ચૌધરીને રૂબરૂ મળવા જતાં તેમણે ઉધ્ધતાઇભર્યો જવાબ આપી કહ્યું હતું કે તમે દિલ્હી સુધી દોડી લ્યો પરંતુ અમે બ્રિજનું કામ બંધ નહીં કરીએ અને આ બ્રિજની ડિઝાઈન પણ તમને બતાવવામાં આવશે નહીં.