BREAKING NEWS

નાનામવાના શાસ્ત્રી નગરમાં ડામર રોડની સુવિધા આપો;મનપામાં ટોળું ધસી આવ્યું

  • December 22, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧ના નાનામવા મેઇન રોડ ઉપર આવેલા શાસ્ત્રીનગર (અજમેરા) વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી રસ્તાઓ ઉપર ડામર કામ કરવામાં આવ્યું ન હોવાથી રસ્તાઓ બિસ્માર થઇ જતા રહીશોનું ટોળું મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું અને મેયર નયનાબેન પેઢડીયા તેમજ ડેપ્યુટી કમિશનર સમીર ધડુકને આવેદન પત્ર પાઠવી જો આગામી દિવસોમાં સોસાયટીના રસ્તાઓને સંપૂર્ણપણે ડામરથી મઢવામાં નહીં આવે તો આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

વિશેષમાં શાસ્ત્રીનગર ઓનર્સ સર્વિસ એસોસિએશનના પ્રમુખ જી.એ.જાડેજાની આગેવાનીમાં આજે સોસાયટીના રોડ રસ્તા ઉપર ડામરકામની માંગ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સોસાયટીનો વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો તે પહેલા સોસાયટીના રસ્તાઓ ખૂબ જ સારા હતા. પરંતુ વર્ષ-૨૦૧૦-૨૦૧૧માં સોસાયટીમાં પાણીની પાઇપલાઇન તેમજ ડ્રેનેજ કનેક્શન અપાતા રોડ રસ્તા તૂટી ગયા હતા. સોસાયટી દ્વારા ૮૦/૨૦ની સ્કીમ અંતર્ગત પોતાના નાણાં ખર્ચી રસ્તા બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ૧૫ વર્ષથી ક્યારેય કોર્પોરેશન દ્વારા સોસાયટીના રસ્તા ઉપર ડામરકામ કરવામાં આવ્યું નથી. આજ દિન સુધી કોર્પોરેટરો, ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા સોસાયટીમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી ત્યારે સૌથી મોટો સવાલ ઉપસ્થિત રહ્યો છે કે શું આ સોસાયટી કોર્પોરેશનના નકશામાં છે કે નહીં. સોસાયટીના લોકો મોટી રકમ એડવાન્સ ટેક્સ ભરે છે પરંતુ સવલતના નામે મીંડું છે હવે સોસાયટીમાં ડીઆઇ પાઇપલાઇનની કામગીરી કરવી જરૂરી હતી .જે પત્યા બાદ પડ્યા પર પાટા માર્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.સોસાયટીના રસ્તાઓ વિકાસની રાહ જોઈ રહ્યા છે તેમાં પણ હવે ખોદકામ થતા રસ્તાઓ સંપૂર્ણપણે બિસ્માર થઇ ગયા છે .જો આગામી દિવસોમાં શાસ્ત્રીનગર સોસાયટીના તમામ રસ્તાઓને ડામરથી મઢવામાં નહીં આવે તો અહીં વસવાટ કરતા ૧૨૦૦થી વધુ પરિવારો જેની કુલ સભ્ય સંખ્યા ૭૦૦૦થી પણ વધુ થાય છે તે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. ડીઆઇ પાઇપલાઇન બાદ અહીં રોડ રસ્તાના કામ માટે ખર્ચ મંજૂર થઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application