રાજકોટ શહેરમાં હાલ શિયાળાની ઋતુમાં રખડું કૂતરાનો આતંક વધ્યો છે, જેના પગલે દરરોજ ડોગ બાઇટના અનેક કેસ નોંધાઇ રહ્યા છે તેમ છતાં રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના સ્ટાફ દ્વારા રખડું કુતરા ભસે કે પાછળ દોડે તો નહીં, કરડે તો જ પકડો તેવી કાર્યપધ્ધતિ અપનાવવામાં આવતા નાગરિકોમાં રોષની લાગણી પ્રસરી છે.
રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટાફને એવી સુચના અપાઇ છે કે, રહેણાંક વિસ્તારોમાં રાતભર ભસતાં કૂતરાં ઉંઘમાં ખલેલ પહોંચાડે છે, આંગતુકોની પાછળ દોડે છે, ગંદકી ફેલાવે છે તેવી ફરિયાદો નાગરિકો તરફથી મળે તો પણ રખડું કૂતરા જપ્ત કરવાના નથી, એટલું જ નહીં જો ડોગ બાઇટની સારવારના કેસ પેપર સાથે ફરિયાદ મળે તો જ તે વિસ્તારમાંથી રખડું કૂતરા ૧૫ દિવસ પૂરતા જપ્ત કરી ફરી જ્યાંથી જપ્ત કર્યા હોય તે વિસ્તારમાં મુકવા જવાનું !
તાજેતરમાં રખડું કૂતરાઓનું ન્યૂસન્સ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ તેનું અર્થઘટન શું ? તેની રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટમાં કોઇને સમજ પડતી નથી કે ઇરાદાપૂર્વક કામગીરી નહીં કરવા માટે સમજ પડતી નથી તેવો ડોળ કરી રહ્યા છે. એએનસીડી ડિપાર્ટમેન્ટ એવું માને છે કે ફ્ક્ત શાળા-કોલેજો, હોસ્પિટલો વિગેરે સંકુલોમાંથી જ કૂતરા દૂર કરવાની કામગીરી કરવાની છે ! અલબત્ત આ કામગીરી પણ મનપા તંત્રએ પરિપત્રિત સૂચનાથી જે તે સંકુલો ઉપર ઢોળી દીધી છે. મહાપાલિકાની લીગલ બ્રાન્ચએ એએનસીડી બ્રાન્ચને સુપ્રીમ કોર્ટના ચુકાદા, આદેશ, અવલોકનની સરળ ભાષામાં સમજૂતી આપવી જરૂરી છે.
રખડું કૂતરાનો ત્રાસ નિયંત્રિત કરવાની કામગીરીમાં નિષ્ફળ રાજકોટ મહાપાલિકાના એએનસીડી વિભાગમાં થતી કામગીરી અને લાખેણા ખર્ચનું સ્પેશ્યલ ઓડિટ અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થવી જોઇએ તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે, જો આવું થશે તો અવનવા કૌભાંડો બહાર આવશે તેવી લોકમુખે ચર્ચા છે.
મહાપાલિકા જીવદયા પ્રેમીઓના ઘૂંટણિયે?
રાજકોટ મહાપાલિકા તંત્ર રખડું શેરી શ્વાનોને દૂધ પીવડાવતા અને બિસ્કિટ ખવડાવતા જીવદયાપ્રેમીઓના ઘૂંટણિયે પડી ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રખડું કૂતરા રાતભર ભસીને જે લતાવાસીઓની ઉંઘ બગાડે છે, જેમને ત્યાં આવતા મુલાકાતીઓ પાછળ દોડી અકસ્માત સર્જવામાં નિમિત બને છે કે જેમને કૂતરા કરડે છે તેની લેશમાત્ર દરકાર કર્યા વિના જીવદયા પ્રેમીઓ ફરિયાદ કરે કે તુરંત મ્યુનિ.ટીમ જે તે વિસ્તારમાંથી કામગીરી કર્યા વિના જ પરત ફરે છે ! એટલું જ નહીં ફરિયાદથી ફફડી ઉઠીને જે તે વિસ્તારમાં રખડું કૂતરા ૧૫ દિવસમાં પરત મુકવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.એનિમલના રાઇટ્સની ચિંતા કરતું રાજકોટ મહાપાલિકા તંત્ર હ્યુમન રાઇટ્સ અંગેની કાળજી કેમ નહીં લેતું હોય તેવો સવાલ રાજકોટની જનતામાંથી ઉઠી રહ્યો છે.