મગફળી સહિતની ચીજ વસ્તુઓની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલુ છે અને ગઈકાલ સુધીમાં 8,41,494.90 મેટ્રિક ટન મગફળી અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગયા વર્ષે કુલ 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ગયા વર્ષ સુધી પહોંચવામાં હજુ ચાર લાખ મેટ્રિક ટન જેટલું ગાબડું છે.
ગયા વર્ષે માત્ર મગફળીની જ ટેકાના ભાવે 12.22 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં મગફળી સહિતની અન્ય ચીજ વસ્તુઓની પણ ખરીદીનો આંકડો 8.41 લાખ મેટ્રિક ટનનો થવા જાય છે. ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 45 લાખ મેટ્રિક ટન જેટલું હતું. આ વખતે તે વધીને 65 લાખ ટન આસપાસ થશે તેવો અંદાજ મુકાયો હતો. જો કે માવઠાના કારણે છેલ્લી ઘડીએ ચિત્ર બદલાઈ ગયું હતું.
સરકારના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગઈકાલ સુધીમાં 3,79,377 ખેડૂતો પાસેથી 6049. 15 કરોડના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી છે અને 147017 ખેડૂતને રૂપિયા 2376.45 કરોડનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે.
ગયા વર્ષે 3.67 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓની ખરીદી કરી સરકારે 8295 કરોડની ચુકવણી કરી હતી. આ વખતે ટેકાના ભાવમાં રૂપિયા 96 નો વધારો કરવામાં આવ્યો છે.
મગફળી સહિતની ચીજ વસ્તુઓની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની સાથોસાથ માઉન્ટાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમના માટે સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ પણ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ જિલ્લાના 68,787 ખેડૂતોને 246. 70 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. સહાય મેળવવા માટે કુલ 30.71 લાખ જેટલા ખેડૂતોએ સરકારમાં અરજી કરી છે. જેમાં આજ સુધીમાં કુલ 20.81 લાખ ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી છે અને 68,787 ને ચુકવણું કરી દેવામાં આવ્યું છે.