રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા પર આખી દુનિયાની નજર ટકેલી હતી. તેમની કડક સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત, તેમનું ભોજન અને તેમનો ખાનગી પરિવાર પણ હંમેશા ચર્ચાનો વિષય રહે છે, કારણ કે પુતિન આ બંને બાબતોને અત્યંત ગુપ્ત અને નિયંત્રિત રાખે છે.
હાઈ સિક્યોરિટી ફૂડ રૂટિન
પુતિન જ્યારે પણ વિદેશ પ્રવાસ પર જાય છે, ત્યારે તેમનું ભોજન કોઈ હોટેલ કે યજમાન દેશના રસોડામાં બનતું નથી.
ખાનગી રસોઇયા: એક ખાસ રશિયન ટીમ (જેમાં તેમના ખાનગી રસોઇયાઓનો સમાવેશ થાય છે) હંમેશા તેમની સાથે રહે છે.
સુરક્ષિત વ્યવસ્થા: ભોજન બનાવવાની સામગ્રીની પહેલાથી જ તપાસ કરવામાં આવે છે, અને દરેક વાનગી પીરસતા પહેલા મોબાઇલ ટેસ્ટિંગ લેબની હાજરીમાં સુરક્ષિત જગ્યાએ ચકાસવામાં આવે છે.
સાદું ભોજન: આટલી હાઈ-સિક્યોરિટી હોવા છતાં પુતિનનો દૈનિક આહાર ઘણો સાદો હોય છે.
નાસ્તો: ત્વોરોગ (રશિયન પનીર), મધ, દલિયા, તાજા જ્યુસ અને ક્યારેક કાચા બટેરના ઈંડા કે ઓમ્લેટ.
બપોર/રાતનું ભોજન: તેઓ માછલી વધુ પસંદ કરે છે, લાલ માંસ ઓછું. સાથે ટામેટાં, કાકડી અને અન્ય શાકભાજીનો સાદો સલાડ હોય છે.
મીઠાઈ: તેઓ ઓછી મીઠાઈ ખાય છે, પરંતુ તેમને પિસ્તા આઇસક્રીમ પસંદ છે.
પુતિનનું આ નિયમિત અને નિયંત્રિત ભોજન તેમની લાંબી કાર્યશૈલી અને ઉચ્ચ સુરક્ષા વાતાવરણમાં ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.
પુતિન હંમેશા પોતાના પરિવાર વિશે મૌન રહ્યા છે. 2015 ની પ્રેસ કોન્ફરન્સમાં, તેમણે ફક્ત એટલું જ કહ્યું, "મારી દીકરીઓ રશિયામાં રહે છે... હું મારા પરિવાર વિશે ચર્ચા કરતો નથી." જોકે, પુતિનના અનેક દસ્તાવેજો, મીડિયા અહેવાલો અને પ્રસંગોપાત નિવેદનો તેમના પરિવારનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે.
તેમની ભૂતપૂર્વ પત્ની, લ્યુદમિલા પુતિના, વ્યવસાયે ફ્લાઇટ એટેન્ડન્ટ હતી. તેમણે 1983 માં લગ્ન કર્યા હતા, જ્યારે પુતિન KGB માં હતા. આ લગ્ન 30 વર્ષ ચાલ્યા. તેઓ 2013 માં અલગ થયા. બંનેએ કહ્યું કે કામ અને અંતરને કારણે સાથે રહેવું મુશ્કેલ બન્યું છે. લ્યુડમિલા અને પુતિનને બે દીકરીઓ, મારિયા અને કતેરીના છે.
લ્યુદમિલા અને પુતિનને બે દીકરીઓ છે:
1. મારિયા વોરોંત્સોવા (જન્મ ૧૯૮૫)
જીવવિજ્ઞાન અને મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્ડોક્રાઇન સિસ્ટમ (હોર્મોન સંબંધિત બીમારીઓ) ના નિષ્ણાત છે. આ ઉપરાંત તેઓ એક મોટા મેડિકલ સેન્ટર પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને બિઝનેસમાં પણ સક્રિય છે.
2. કતેરીના તિખોનોવા (જન્મ ૧૯૮૬)
તેઓ પ્રોફેશનલી રૉક-એન-રોલ ડાન્સર રહી ચૂક્યા છે અને ૨૦૧૩માં એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ૫મા સ્થાને આવ્યા હતા. તેઓ શૈક્ષણિક અને વ્યવસાયિક કાર્યોમાં સક્રિય છે. ૨૦૧૮ અને ૨૦૨૧ માં તેમણે કેટલાક જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, પરંતુ ક્યારેય પોતાને પુતિનની દીકરી તરીકે ઓળખાવી નહોતી. ૨૦૧૩ માં તેમના લગ્ન પુતિનના જૂના મિત્રના પુત્ર કિરીલ શામાલોવ સાથે થયા હતા, જોકે બાદમાં બંને અલગ થઈ ગયા હતા.
પુતિનના પૌત્રો
પુતિને ૨૦૧૭ માં માત્ર એટલું જ કહ્યું હતું કે "મારા પૌત્ર-પૌત્રીઓ છે. એક તો નર્સરીમાં જાય છે. હું નથી ઈચ્છતો કે તેઓ કોઈ રાજવી પરિવારની જેમ ઉછરે." તેમણે ક્યારેય જાહેરમાં તેમની સંખ્યા કે માતા-પિતા વિશે વધુ માહિતી આપી નથી.