BREAKING NEWS

માત્ર 40 મિનિટમાં મહિલા કારચાલક જામીન પર મુક્ત...હોન્ડા સિટીકાંડમાં ધ્રુવી કોટેચા મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

  • November 30, 2025 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં 22 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર હોન્ડા સિટીની ચાલક મહિલાએ એક્ટિવાને અડફેટે લીધું હતું. હિટ એન્ડ રનની આ ગંભીર ઘટનામાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાના મૃત્યુ થયું હતું. જ્યારે તેની માતા દર્શનાબેનને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે પોલીસે આરોપીને લાભ આપવા માટે કેસમાં હળવી કલમો લગાવી હોવાનો મૃતકના પિતાએ સીધો આક્ષેપ કર્યો છે.  આ કેસમાં ન્યાય ન મળતા ધ્રુવીના પિતાએ હવે સીધા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે.


હિટ એન્ડ રનની ઘટનામાં ધ્રુવી દેવાંગભાઈ કોટેચા(ઉં.વ.15)નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના માતા દર્શનાબેનને ગંભીર ઈજા થઈ હતી. આ કેસમાં પોલીસે 10 નવેમ્બરના રોજ સાંજે 5:05 કલાકે આરોપી મહિલા કૃતિકાબેન ધવલભાઈ શેઠની અટકાયત કરી કોર્ટમાં 5:45 કલાકે રજૂ કર્યા હતા જ્યાં બંને પક્ષના વકીલની દલીલોના અંતે કૃતિકાબેનના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આમ કૃતિકાબેનનો ગણતરીની મિનિટમાં જામીન પર છુટકારો થયો હતો


મૃતક ધ્રુવી કોટેચાના પિતા દેવાંગભાઈ કોટેચાએ CJIને લખેલા પત્રમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પિતાનો આક્ષેપ છે કે પોલીસે ગંભીર હિટ એન્ડ રનના ગુનાને બદલે તાત્કાલિક જામીન મળી જાય તેવી હળવી કલમો લગાવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે મહિલા આરોપીને લાભ અપાવવા માટે પોલીસે તેને જામીન મળ્યા બાદ જ અકસ્માત સ્થળના CCTV ફૂટેજ કબજે કર્યા હતા, જેથી પુરાવાઓ સાથે ચેડાં થઈ શકે.


પત્રમાં દેવાંગભાઈએ આરોપીની અટકાયત અને જામીનની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ૧૦મી ડિસેમ્બરના રોજ મહિલા આરોપીની સાંજે ૫:૦૫ કલાકે અટકાયત કરવામાં આવી હતી અને માત્ર ૪૦ મિનિટમાં, એટલે કે ૫:૪૫ વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરીને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી. પોલીસે લગાવેલી હળવી કલમોને કારણે જ આટલી ઝડપી જામીન પ્રક્રિયા શક્ય બની હોવાનો તેમનો દાવો છે. આ ગંભીર અકસ્માત ૭મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સર્જાયો હતો, જેમાં ધ્રુવી કોટેચાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પીડિત પિતા દેવાંગભાઈ કોટેચાએ પત્રમાં પોતાની મૃતક દીકરીને ન્યાય મળે અને બેદરકારી દાખવનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી આજીજી સાથે માંગણી કરી છે.​​​​​​​


ક્યાં ક્યાં મુદ્દે રજૂઆતો કરાઈ

મહિલા આરોપીની 5:05 કલાકે અટકાયત કરાઈ, 5:45એ કોર્ટમાં રજૂ કરાતાં જામીન મુક્ત થયા

હિટ એન્ડ રનના કિસ્સામાં કલમ 106 કે જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે તેના બદલે 106(1) કે જેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે તે કલમ લગાવવામાં આવી છે.

મહિલા આરોપીને 10 નવેમ્બરે સાંજના 5:05 કલાકે અટક કરી તુરંત 5:45 વાગ્યે કોર્ટમાં રજૂ કરી આરોપીને ત્વરિત જામીન મળે તે પ્રકારની પોલીસે સગવડતા કરી આપી.

પૂર્વ પોલીસ કમિશનર સુધીરકુમાર સિન્હાએ જામીન લાયક ગુનામાં પોલીસે જે કાર્યવાહી કરવાની હોય છે જેમાં જે સમય લાગે છે, તેની વિગતવાર છણાવટ કરેલ છે. જેની વિરુદ્ધ કાર્યવાહી કરી 
મહિલા આરોપીને પોલીસ સ્ટેશનથી આશરે 10 કિ.મી. દૂર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જામીન લાયક ગુનામાં પોલીસને આરોપીને જામીન ઉપર છોડવા માટે સત્તા અને અધિકાર છે. જોકે આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે તેઓની ક્યા કારણોસર અટકાયત કરી રજૂ કરવામાં આવેલ છે તેના સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યા નથી.

જામીન અરજીમાં સરકારી વકીલનો શેરો નથી, મ્યુનિ.કોર્ટના સરકારી વકીલ ગેરહાજર હતા.

ગંભીર ગુનાની ફરિયાદમાં કે જેમાં તરુણીનું મૃત્યુ થયું છે અને એક મહિલાને બે માસ માટે પથારીવશ રહેવું પડશે તેવા કિસ્સામાં મિનિટોમાં જ ગુનેગાર જામીન પર છૂટી જાય જે કાયદાની ક્રૂર મશ્કરી સમાન છે તેમ પણ દેવાંગભાઈ કોટેચાએ લેખિતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application