"જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો"ના જીવનમંત્રને સાર્થક કરી દેશ-વિદેશમાં ભજન, ભોજન અને ભક્તિનો ડંકો વગાડનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે કારતક સુદ સાતમના પાવન અવસરે 227મી જન્મજયંતિ છે. બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જન્મજયંતિની અત્યંત ધામધૂમપૂર્વક અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાત્રે 12 વાગ્યે ચામુંડા ચોક, અશોક ચોક અને મીનળવાવ ચોક સહિતના વિસ્તારોમાં ભક્તોએ કેક કાપીને તથા ભવ્ય આતશબાજી કરીને બાપાના જન્મદિનના વધામણાં કર્યા હતા. આ આતશબાજીનો 570 ફૂટની ઊંચાઈએથી લેવાયેલો ડ્રોન વીડિયો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
જલારામ જયંતિ નિમિત્તે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિ પર શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારી ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પ્રથમ આરતીનો લાભ લેવા અને બાપાના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો વીરપુર ઉમટી પડ્યા છે. ભક્તોમાં એટલો ઉત્સાહ છે કે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
બાપાની 227મી જન્મજયંતિને લઈને સમગ્ર વીરપુર નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ધજા-પતાકા, કમાનો, ફૂલહાર, આસોપાલવના તોરણો અને રંગબેરંગી રોશનીથી સમગ્ર ગામ ઝળહળી ઊઠ્યું છે. વીરપુરવાસીઓ દ્વારા ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે, જેમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને તેમની પ્રતિકૃતિની આબેહૂબ રંગોળીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ, દિવાળીમાં તો સૌ કોઈ રંગોળી કરે જ છે, પરંતુ વીરપુરવાસીઓ માટે તો આજનો દિવસ જ સાચી દિવાળી છે.
ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં પૂજ્ય બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તથા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આજે વીરપુરમાં બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ ઉપરાંત, 227મી જન્મજયંતિની ખુશીમાં 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ અને કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે. વીરપુર તરફ આવતા તમામ માર્ગો પર ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓની સેવા માટે ઠેર-ઠેર ચા-પાણી, નાસ્તા, શરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વીરપુરમાં જલારામ બાપાની જગ્યાએ વર્ષોથી અવિરત સદાવ્રત ચાલે છે અને છેલ્લા 26 વર્ષથી અહીં કોઈપણ પ્રકારનું રોકડ દાન સ્વીકારવામાં આવતું નથી. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વીરપુર પોલીસ અધિકારીઓ સાથે 88 પોલીસ જવાનો, 134 જીઆરડી જવાનો અને 25 ટ્રાફિક બ્રિગેડના જવાનો ખડેપગે તૈનાત છે. આ સાથે જ ઉજવણી દરમિયાન વીજ પુરવઠો અવિરત ચાલુ રહે અને કોઈ ફોલ્ટ ન સર્જાય તે માટે પીજીવીસીએલની ટીમ પણ સતત કાર્યરત રાખવામાં આવી છે.