કચા તેલની કિંમતોમાં વધારો અને ખાદ્ય ચીજોની વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાપાનીઝ બ્રોકરેજ ફર્મ નોમુરા (Nomura) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાની નાણાકીય નીતિ સમીક્ષા (Policy Review) માં વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈ બંને સમીક્ષાઓમાં 25-25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને કુલ 0.50% સુધી રેપો રેટ વધારી શકે છે. જો આમ થશે તો આગામી દિવસોમાં હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન લેવી મોંઘી બનશે અને ચાલુ લોનની ઈએમઆઈ (EMI) માં પણ વધારો થશે.
નોમુરાના રિપોર્ટ અનુસાર, વ્યાજદરમાં આ સંભવિત વધારાથી ટર્મિનલ રેટ વધીને 5.75% સુધી પહોંચી શકે છે. જોકે, ફેબ્રુઆરી 2027 થી વ્યાજ દરોમાં વધુ વધારાની શક્યતા ઓછી છે, કારણ કે આવનારા વર્ષમાં ગ્રાહક વપરાશમાં ઘટાડો અને ફુગાવો નરમ રહેવાનો અંદાજ છે. ગ્રાહક ભાવાંક (CPI) આધારિત મોંઘવારી દર ઓગસ્ટમાં 4.8% હતો, જે વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં વધીને 6.3% સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, નજીકના ભવિષ્યમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી સૌથી મોટો પડકાર બની રહેશે. ઓછો વરસાદ અને ખરીફ પાકના વાવેતરમાં વિલંબના કારણે અનાજ અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે સરકાર દ્વારા ખાંડ પર સ્ટોક લિમિટ અને ડુંગળીના વેચાણ અંગે લેવાયેલા નીતિ વિષયક નિર્ણયોથી ભાવનિયંત્રણમાં થોડી મદદ મળી શકે છે, પરંતુ પાક ઉત્પાદનમાં ઘટાડો મોંઘવારીનું જોખમ જાળવી રાખે છે.
બીજી તરફ, ભારતનો વાસ્તવિક જીડીપી (GDP) ગ્રોથ રેટ બીજા ક્વાર્ટરમાં 7.8% રહ્યો છે, જ્યારે ઓગસ્ટમાં ક્રેડિટ ગ્રોથ 19.1% નોંધાયો હતો. આમ છતાં, ખાદ્ય પદાર્થોના વધતા ભાવ લોકોની વાસ્તવિક આવક પર અસર કરી રહ્યા છે, જેનાથી બિન-જરૂરી ચીજવસ્તુઓની માંગ ઘટી શકે છે. આ પરિસ્થિતિ વચ્ચે આરબીઆઈ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે ઓક્ટોબર અને ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવાનો આકરો નિર્ણય લઈ શકે છે.