BREAKING NEWS

સ્થાન, સ્વમાન અને સન્માન માટે સંઘર્ષ કરવો જ પડશે: RJ દેવકી

  • March 07, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નારી તું નારાયણી શબ્દો યર્થાથ અર્થમાં આજકાલના આંગણે સાર્થક બન્યા છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. શક્તિ માટે દેવી દુર્ગા, સંપતિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે. આવી જ દુર્ગા લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપા, સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપનાર, વિરાંગનાઓનું આજકાલ દ્વારા આયોજીત ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સન્નારીઓના સાહસને બીરદાવવા માટે હોટલ સરાઝા ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડીસીપી હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


પ્રખર વક્તા આરજે દેવકીએ સમાજમાં સમયાંતરે મહિલાઓના સ્થાન સ્વમાન, સન્માન અને સાહસની વાતો કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતાં. એવોર્ડ પ્રાપ્ત કરનાર મહિલાઓની પસંદગીની મહેમાનો, ઉપસ્થિતો અને એવોર્ડીઓએ ખુલ્લા દિલથી પ્રશંસા કરી હતી અને આજકાલને ખોબલે ખોબલે અભિનંદન આપ્યા હતાં. આજકાલ દૈનિક દ્વારા સતત છઠ્ઠા વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રે પારંગત પ્રતિભાશાળી ૨૦ મહિલાઓનું આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણી, એમડી ચંદ્રેશભાઇ જેઠાણી, મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા, જનરલ મેનેજર અતુલભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.


આજકાલના આંગણે આયોજિત વુમન એમ્પાવર એવોર્ડ સેરેમની દરમિયાન પ્રખર વક્તા આરજે દેવકીએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્ય દ્વારા સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવી દીધો હતો. તેમણે પોતાના સંબોધનમાં સમાજમાં મહિલાઓનું સમાજમાં વિશેષ યોગદાન અને સંઘર્ષ વિષે ઊંડાણપૂર્વક વિચારો રજૂ કર્યા હતા. તેમના પ્રેરણાદાયક શબ્દોએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.


આ કાર્યક્રમ માત્ર સન્માન સમારોહ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ મહિલાઓના યોગદાનને સમાજ સમક્ષ રજૂ કરવાનો અને નવી પેઢીને પ્રેરણા આપવાનો એક ઉત્તમ પ્રયત્ન સાબિત થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને એવોર્ડ વિજેતાઓએ ‘આજકાલ’ દૈનિકને આ સુંદર પહેલ માટે દિલથી અભિનંદન પાઠવ્યા હતા.


આજકાલ દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરનાર મહિલાઓની કરાયેલી પસંદગી બિરદાવવા લાયક: આરજે દેવકી

આરજે દેવકીએ જણાવ્યું હતું કે આજકાલ દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરનાર મહિલાઓની પસંદગી ખરેખર બિરદાવવા જેવી છે. મહિલાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સફળતાની સફર સંઘર્ષથી જ શરુ થાય છે. સંઘર્ષ કરવાથી ડરો નહિ. એક મહિલા તરીકે આપણને ઘણા વિચાર આવે છે કે આ મારાથી નહીં થાય, લોકો શું કહેશે, અલગ અલગ સંજોગોના કારણે મારાથી આ નહીં થાય, પોતાના સ્વાસ્થ્યના કારણે, પોતાના કન્ફયુઝનના કારણે, આત્મવિશ્વાસ ન હોવાના કારણે આપણે ઘણીવાર આપણા પોતાનાજ પગમાં બેડીઓ બાંધી દેતા હોય છીએ, અને ઘણીવાર બીજા બીજા બાંધી દે છે. હંમેશા કંઇક નવું કરો, આગળ વધો, સફળ બનો.


સમાજ ઘડતરમાં સ્ત્રી-પુરુષ બંનેએ સરખું જ યોગદાન આપવાની જરૂર છે: દેવકી

આરજે દેવકીએ જણાવ્યું હતું કે એક ખરાબ સમય અને બીજા ખરાબ સમય વચ્ચે એક સારો સમય આવે જ છે. તેને ઓળખતા શીખો. યાદ રાખો, નોંધી રાખો કે તમારી સાથે શું સારું થયું છે. આપણે એ જ વિચારતા હોય છીએ કે શું ખરાબ થયું છે. પરંતુ યાદ એ કરો કે કેટલું ખરાબ થયું હતું જેમાંથી તમે નીકળી ગયા. જીંદગીમાં અનેક પ્રશ્નો આવશે પણ તેનો સમાનો કરો. સ્ત્રીઓએ પુરુષ સમોવડીયા બનવાની જરૂર નથી પુરુષે સ્ત્રીઓની સમોવડીયા બનવાની જરૂર છે. હાલના સમયમાં સમાજ ઘડતરમાં સ્ત્રી-પુરુષ બંનેએ સરખું જ યોગદાન આપવાની જરૂર છે.


નાના નાના બદલાવ સમાજમાં મોટા બદલાવ લાવે છે: દેવકી

કાર્યક્રમમાં દેવકીએ મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગાડીમાં, જોબમાં, કે પૈસામાં જેમ ઇન્વેસ્ટ કરો છો તેમ સંબંધોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે કદાચ આખું ગામ ન બદલી શકીએ, આખી સરકાર, ન બદલી શકીએ, આખો દેશ ન બદલી શકીએ, પણ પોતાની જાતને તો બદલી શકીએ. નાના નાના બદલાવ સમાજમાં મોટા બદલાવ લાવે છે.


મહિલાઓ પોતાના અસ્તિત્વની ઉજવણી કરી શકે તેવા હેતુથી આજકાલ દ્વારા અદ્ભુત આયોજન: ડૉ. દર્શીતા શાહ

મહિલાઓ પોતાના અસ્તિત્વની ઉજવણી કરી શકે તેવા હેતુથી આજકાલ દ્વારા દર વર્ષે અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવે છે. જયારે એક નારી સશક્ત બંને છે ત્યારે તેની સાથે આખો સમાજ અને આખું રાષ્ટ્ર સશક્ત બંને છે. જેણે સમાજમાં પોતાનું ખુબ સારું યોગદાન આપ્યું, પોતાના અસ્તિત્વની અલગ ઓળખ બનાવી તેને આજકાલ દ્વારા બિરદાવવામાં આવે છે.


આજકાલ દ્વારા નારી શક્તિને બિરદાવવાનું કાર્ય ખરેખર પ્રશંસનીય: રમેશભાઈ ટીલાળા

કાર્યક્રમમાં અતિથીવિશેષ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના યુગમાં પુરુષોએ વ્યસનમાં અને સ્ત્રીઓએ ફેશનમાં ધ્યાન રાખવું પડશે. કારણકે આજના સમયમાં સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ બંને જાળવવા જરૂરી છે. ભગવાન રામ હોય કે કૃષ્ણ બંનેમાં રાધા-ક્રિષ્ના અને સીતા-રામ બોલાય છે એટલેકે ભગવાને પણ સ્ત્રીઓને શક્તિ આપી છે. આજકાલ દ્વારા આ નારી શક્તિને બિરદાવવાનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application