ટ્રેનનું ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવતા યાત્રીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અને ટિકિટ દલાલો દ્વારા થતી બલ્ક બુકિંગ પર નિયંત્રણ મૂકવા માટે એક મોટો ફેરફાર કર્યો છે. હવે સવારના સમયે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન (Aadhaar Verification) ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નવા નિયમો 28 ઓક્ટોબર 2025 થી લાગુ કરી દેવાયા છે.
સવારે 8 થી 10 વાગ્યા માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય
નવા નિયમો અનુસાર, ટિકિટ બુકિંગના પહેલા દિવસે સવારે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફક્ત તે જ યુઝર્સ રિઝર્વેશન ટિકિટ બુક કરી શકશે, જેમનું IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે વેરિફાઈડ (સત્યાપિત) હશે. અધિકારીઓનું કહેવું છે કે આ પગલું અસલી યાત્રીઓને લાભ પહોંચાડવા અને ખોટી રીતે થતા ટિકિટ બિકિંગને રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
અન્ય મહત્ત્વના મુદ્દા:
PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટરો પર ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અધિકૃત એજન્ટો માટે ટિકિટ વેચાણ શરૂ થયાના શરૂઆતના 10 મિનિટ સુધી બુકિંગ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે, જેથી બલ્ક બુકિંગ અટકાવી શકાય. અગાઉ પણ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાના પ્રથમ 30 મિનિટ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું હતું.
IRCTC પર આધાર વેરિફિકેશન કેવી રીતે કરવું?
યાત્રીઓ પોતાનું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે જોડવા માટે નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરી શકે છે:
- www.irctc.co.in પર જાઓ અને પોતાનું એકાઉન્ટ ખોલો.
- 'My Account' સેક્શનમાં જઈને 'Authenticate User' પર ક્લિક કરો.
- તમારો આધાર નંબર દાખલ કરો અને નામ, જન્મ તારીખ તથા લિંગ (Gender) જેવી વિગતો ચકાસો.
- 'Verify Details and Receive OTP' વિકલ્પ પસંદ કરો. તમારા આધાર-સાથે લિંક કરેલા મોબાઇલ પર OTP (વન ટાઇમ પાસવર્ડ) આવશે.
- OTP દાખલ કરો, પરવાનગી આપો અને 'Submit' કરો.
- વેરિફિકેશન પૂર્ણ થતાં જ સ્ક્રીન પર તેની પુષ્ટિ દેખાશે કે તમારું આધાર સફળતાપૂર્વક ઓથેન્ટિકેટ થઈ ગયું છે.