અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી બે સિસ્ટમ જનરેટ થઈ રહી છે અને હિમાલયન રીજીયનમાં આવતીકાલ તથા તારીખ ૧૬ના રોજ એમ ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હોવાથી આવતીકાલથી દેશના અનેક રાયોમાં વરસાદ માટેની ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા આપવામાં આવી છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ સમગ્ર હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવા ૨ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે અને તારીખ ૧૬ના રોજ સર્જાશે અને તેના કારણે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં આવતીકાલથી તારીખ ૧૭ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તારીખ ૧૭ના રોજ વરસાદની ગતિવિધિ અને તીવ્રતા વધી જશે. આ ઉપરાંત પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને ચંદીગઢમાં પણ તારીખ ૧૬ તથા ૧૭ ના રોજ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિન્દ મહાસાગર અને તેને સંલગ્ન બંગાળની ખાડીના સાઉથ ઇસ્ટ ભાગમાં દરિયાની સપાટીથી ૩.૧ કિલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સકર્યુલેશન જોવા મળે છે. આવી જ રીતે અરબી સમુદ્રમાં કેરલા નજીક સાઉથ ઇસ્ટ દિશામાં પણ આવી જ સિસ્ટમ જોવા મળે છે અને તેના કારણે તમિલનાડુ કેરલા લક્ષદ્રીપ અને નિકોબારમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી હતી.
આવતીકાલથી વાતાવરણ બદલાશે
આવતીકાલથી વાતાવરણ બદલાશે. પરંતુ અત્યારે તો સવારથી જ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી સવારે ઝાકળ વર્ષા થતી હતી તે પણ આજે બધં થઈ ગઈ છે. ઓખા સિવાય સમગ્ર રાજ્યમાં ગુવારે મહત્તમ તાપમાન ૩૧થી ૩૪.૧ ડીગ્રી નોંધાયું હતું. સૌથી વધુ મહત્તમ તાપમાન ગઈકાલે રાજકોટમાં ૩૪.૧ ડિગ્રી રહેવા પામ્યું હતું. લઘુતમ તાપમાનની વાત કરીએ તો આજે અમરેલીમાં ૧૫.૨, ભાવનગરમાં ૧૮.૫, ભુજમાં ૧૬.૩, દ્રારકામાં ૧૮.૫, કંડલામાં ૧૮.૫, નલિયામાં ૧૬.૧, ઓખામાં ૨૦.૬, પોરબંદરમાં ૧૬.૯, રાજકોટમાં ૧૫.૪, સુરતમાં ૧૯.૫ અને વેરાવળમાં ૧૯.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.