BREAKING NEWS

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને જળબંબોળ કર્યુંઃ સાવરકુંડલામાં 3.11 ઈંચ, વાપીમાં 4.13 ઈંચથી જળબંબાકાર

  • July 01, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં (ગઈકાલ સવારના છથી આજે સવારના છ વાગ્યા સુધી) મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં રાજ્યના ૭૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ આંકડાની વાત કરીએ તો, નવસારીમાં ૪.૫૩ ઈંચ, જલાલપોરમાં ૩.૫૦ ઈંચ, કામરેજમાં ૩.૪૬ ઈંચ, સાવરકુંડલામાં ૩.૧૧ ઈંચ અને વલસાડમાં ૩.૦૩ ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય સાત તાલુકાઓમાં બે ઈંચથી વધુ અને ૧૬ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વાપી તાલુકામાં 4.13 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 1.73 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો સુરત, પલસાણા અને પારડી સહિત છ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ પર અચાનક આખે આખો રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. મોટો ભુવો પડવાના કારણે ગુજરાત સરકારની એક એસટી બસ પણ ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ મેન રોડ પર પડેલા આ ભૂવાને કારણે વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે અને માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આજે વલસાડ-દમણમાં રેડ અને 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

આજે વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે  પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ અને તાપી તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બીજી બાજુ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application