ઓટો મોબાઈલ ક્ષેત્રમાં બજાજનું નામ મોટું પણ કામ નાનું એવો કડવો અનુભવ રાજકોટના એક ગ્રાહકને થયો છે. સંત કબીર રોડ પર રહેતા દિશાંતભાઈ પરસાણાએ ઓગસ્ટ 2024માં ગોંડલ રોડ પર આવેલા રાજર્ષિ બજાજમાંથી પલ્સર બાઇક ખરીદ્યું હતું. બાદમાં અકસ્માત થતા પલ્સરને નુકસાન પહોંચ્યું હતું. બાદમાં દિશાંતે ડિસેમ્બર 2024માં ઇન્સ્યોરન્સ માટે પાર્ટ્સ ક્લેમ કર્યો હતો. જો કે, પાર્ટ્સ માટે દિશાંતભાઈએ દોઢ વર્ષમાં 30થી 35 ધક્કા ખાધા પણ જાડી ચામડીના મેનેજર શ્વેતલ કોઠારી અને સ્ટાફે યોગ્ય જવાબ આપ્યો નહીં અને ઉલ્ટાનું દિશાંતભાઈ પર ચડી બેસવાનો પ્રયાસ કર્યો હતો. અંતે દિશાંતભાઈએ કંટાળીને ગઈકાલે સવારે રાજર્ષિ બજાજમાં જઈ મેનેજરથી લઈ તમામ સ્ટાફ કેવું વર્તન કરે છે તેનો વીડિયો ઉતાર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. દિશાંતભાઈએ એક પાર્ટ્સ માટે કેવો સંઘર્ષ કર્યો તેની વ્યથા આજકાલના કાર્યાલયની મુલાકાત લઈ જણાવી હતી.
દિશાંતભાઈએ જણાવ્યું હતું કે, પલ્સર બાઇકના રાજર્ષિ બજાજે અલગ અલગ પાર્ટ્સ મને કટકે કટકે આપ્યા હતા. પરંતુ આર એચ કાઉલ નામનો પાર્ટ્સ મને આપવામાં એટલા ઠાગાઠૈયા કર્યા કે મારા ચપ્પલ ઘસાય ગયા. છતાં પણ શો-રૂમ પર જઈએ એટલે મારી સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવતું એ તો અલગ જ. એક પાર્ટ્સ માટે હું રાજર્ષિ બજાજમાં જઈ ભીખ માગતો હોય તેવું મને લાગતું હતું પણ શું થાય બાઇક ચલાવવા માટે આ કરવું પડે, બીજો કોઈ રસ્તો નહોતો.
દિશાંતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મેં બજાજ કંપનીમાં ગત 28 ફેબ્રુઆરીએ ઇ-મેઇલ દ્વારા પાર્ટ્સ માટે ફરિયાદ કરી હતી. પણ ત્યાંથી પણ યોગ્ય જવાબ મળ્યો નહોતો. દોઢ વર્ષમાં અઢળક ફોન કર્યા પણ જવાબ આપવામાં ઠાગાઠૈયા જ કર્યા હતા. રાજર્ષિ બજાજમાં પાર્ટ્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા વિજયભાઈ પરમાર પણ દર વખતે એક જ જવાબ આપતા કે અઠવાડિયામાં પાર્ટ્સ આવી જશે. પણ દોઢ વર્ષ થઈ ગયું એમ પૂછ્યું તો બસ એક જ રટણ કે અઠવાડિયામાં આવી જશે તેવો જવાબ મળતો. આથી 15 માર્ચે તેણે લેખિતમાં આપ્યું કે પાર્ટ્સ આવી જશે, પણ જાણે આ લોકોએ પાર્ટ્સ આપવો જ ન હોય તેમ દર વખતે ઉદ્ધાતાઇભર્યું વર્તન કરી અમને કાઢી મુકતા હતા. ફોન કરતા તો સામેથી એવો જવાબ મળતો કે તમારૂ નામ અને નંબર લખાવી દ્યો 15-20 દિવસમાં પાર્ટ્સ આવી જશે. આવું દોઢ વર્ષથી ચાલ્યું.

મેનેજર લાજવાને બદલે ગાજ્યો
દિશાંતભાઈ કંટાળીને રાજર્ષિ બજાજ તરફથી કેવો જવાબ આપવામાં આવે છે તેનો વીડિયો બનાવ્યો ત્યારે તેમની સાથે મેનેજરે દાદાગીરી કરી હતી તો મિકેનિકલ રાજુ સાવલિયાને કાંઈ પડી ન હોય તેવું લાગ્યું હતું. વીડિયો ઉતારતી વખતે કેવો અનુભવ થયો તે વિશે દિશાંતભાઈ કહે છે કે, અમે ત્યાં પહોંચ્યા ત્યારે વિજયભાઈ પરમારે કહ્યું કે, કંપનીની પ્રોપર્ટીમાં તમે વીડિયો ન ઉતારી શકો. મેનેજરના મોઢામાં મગ ભર્યા હોય તેમ તેણે પોતાનું નામ જ ન જણાવ્યું. તેણે કહ્યું હતું કે તમે આવી રીતે અમારી સાથે વાત ન કરી શકો.
બજાજની સર્વિસ ઝીરો, કોઈ વાહન ન ખરીદતા
દિશાંતભાઈએ ઉમેર્યું હતું કે, બજજાની સર્વિસ સાવ ઝીરો અને થર્ડ ક્લાસ છે. હું તો બીજા લોકોને કહીશ કે બજાજનું કોઈપણ વાહન ખરીદતા નહીં. શો-રૂમમાં સ્ટાફ રૂઢલી જવાબ આપે છે. મારી લોકોને સલાહ છે કે બીજી કંપનીના વાહનો લેજો પણ બજાજના તો નહીં જ. મેં પલ્સર બાઇક ખરીદ્યુ ત્યારે કંપની તરફથી એક વર્ષમાં ચાર સર્વિસ આપવામાં આવે છે પણ મેં એક પણ વખત સર્વિસ કરાવી નથી.
ટોલ ફ્રીમાં ફોન કર્યો પણ યોગ્ય જવાબ ન મળ્યો
દિશાંતભાઈએ જણાવ્યું કે, જ્યારે અમે ટોલ ફ્રી નંબરમાં ફોન કર્યો તો સામેથી લેડીઝ સ્ટાફને પીનકોડ નંબર પરથી રાજર્ષિ બજાજ શો-રૂમ રાજકોટમાં આવેલો છે તેની ખબર જ નહોતી. તેઓએ કહ્યું કે, રાજર્ષિ બજાજની અમુક પોલિસી ટર્મીનેટ થઈ ગઈ છે. ટોલ ફ્રી નંબરમાં પણ અમને યોગ્ય જવાબ મળ્યો નથી. એટલે નાછૂટકે અમારે વીડિયો બનાવવો પડ્યો. આ બાદ અમને પાર્ટસ આપ્યો. પાર્ટ્સ શો-રૂમમાં જ પડ્યો હતો પણ ન મેનેજરની દાનત જ આપવાની નહોતી. દર વખતે અમને કહેતા કે પાર્ટ્સ આવી જશે એટલે તમને ફોન કરીશું પણ એક પણ ફોન આવ્યો નથી.

વાઇરલ વીડિયોમાં શું જોવા મળે છે?
વાઇરલ વીડિયોમાં દિશાંત રાજર્ષિ બજાજની અંદર જાય છે ત્યારે સ્ટાફ મોજથી બેઠો હોય અને ગ્રાહકોની કોઈ દરકાર જ ન હોય તેવું લાગી રહ્યું હતું. વીડિયોમાં દિશાંત કહે છે કે આ ચશ્માવાળા ભાઈ જે મેનેજર છે જેણે મારો ફોન ઝડપ્યો હતો. બાદમાં દિશાંત અંદર સ્ટોરરૂમમાં મિકેનિકલ રાજુ સાવલિયાને બોલાવે છે પણ તે કોઈ જવાબ આપતો નથી. આથી દિશાંત ત્યાં જાય છે. બાદમાં મેનેજર ખુરશી પર બેઠા બેઠા દાદાગીરી કરતો નજરે પડે છે અને દિશાંતનો ફોન ઝડપવાનો પ્રયાસ કરી ધમકાવે છે. બીજા એક કર્મચારી વચ્ચે પડે છે અને રૂઆબથી કહે છે કે એ ભાઈ તમે આવું ન કરી શકો. હું તમને ત્રણ કલાકનો ટાઈમ આપું છું. આથી દિશાંત કહે છે દોઢ વર્ષ થઈ ગયું પણ પાર્ટ મળતો નથી. દર વખતે ફોન નંબર લખાવો, નામ લખાવો તેવું કહી બહાર કાઢી મુકે છે.