રાજકોટમાં ગુંડાગીરીએ માજા મુકતા અને પોલીસની આબરૂના ધજાગરા થતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નંબર જાહેર કર્યા છે. જેમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જાહેરમાં કોઈ હેરાન કરે તો અમને ફરિયાદ કરો અને તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
રાજકોટ પોલીસે શું અપીલ કરી
રાજકોટ શહેર, ક્રાઇમ બ્રાંચ દ્વારા આપના રહેણાંકની આજુબાજુમાં, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજુમાં કે, અન્ય કોઇપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે, અન્ય કોઇપણ પ્રકારની ગેરકાયદેસર કૃત્ય કરનાર અસામાજિક ઇસમો વિરૂધ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે.
કોઇપણ જાગૃત નાગરિક આવા ઇસમો બાબતેની જાણકારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને વ્હોટસએપ મોબાઇલ નં.૬૩૫૯૬૨૯૮૯૬ પર જાણ કરી શકે છે.
આપ આવા વ્યકિતઓના નામ અને સરનામું તેમજ અન્ય માહીતી શેર કરી શકો છો.
આપની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં માત્ર પાંચ દિવસમાં શહેરમાં છ-છ હત્યાના બનાવ બનતા રાજકોટમાં ચકચાર મચી ગઈ હતી. બાદમાં શહેરની કુખ્યાત બે ગેંગ પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે મંગળા રોડ પર રાત્રે ધાણીફૂટ ફાયરિંગ થતા લોકોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે રાજકોટ પોલીસ હવે જાગૃત થઈ છે.