BREAKING NEWS

રાજકોટ જિલ્લા સહકારી બેંકની મોટી જાહેરાત.. 1 વર્ષ માટે ખેડૂતોને 0 ટકા વ્યાજે આપશે 'ખાસ કૃષિ લોન', જાણો તમામ વિગત

  • November 12, 2025 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડૂતો માટે મોટો રાહતભર્યો નિર્ણય કર્યો છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જાહેરાત કરી કે ખેડૂતોને મદદરૂપ થવા માટે “ખાસ કૃષિ લોન” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષ માટે ૦ ટકા વ્યાજે લોન આપવામાં આવશે, જેથી તેઓ ફરીથી રવિ પાકનું વાવેતર કરી શકે અને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે.


રાજકોટ અને મોરબી જિલ્લાના અંદાજે ૨,૨૫,૦૦૦ ખેડૂતોને લાભ મળશે

આ યોજનાના અંતર્ગત ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૧૨,૫૦૦ સુધીની લોન આપવામાં આવશે અને એક ખેડૂતને વધુમાં વધુ રૂ. ૬૫,૦૦૦ સુધીની રકમ મળશે. આ લોનનો લાભ રાજકોટ અને મોરબી જિલ્લાના અંદાજે ૨,૨૫,૦૦૦ ખેડૂતોને મળશે. બેંકે જણાવ્યું છે કે, કમોસમી વરસાદ અને માવઠાંને કારણે ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, જેના કારણે તેમના માટે આગામી વાવણી માટે નાણાકીય સગવડ અતિ આવશ્યક છે.


ખેતી ફરી શરૂ કરવા માટે  ખાસ લોન અપાશે 

ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું કે, “ખેડૂત આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. કુદરતી આફત સમયે તેમને સહારો આપવો આપણી સામાજિક અને નૈતિક જવાબદારી છે. બેંકે આ યોજનાથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અને તેમની ખેતી ફરી શરૂ કરવા માટે ખાસ લોન આપવાનો  નિર્ણય લીધો છે.”


રવિ પાકના વાવેતરને નવી આશા આપશે

આ યોજનાને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે, આ લોનથી તેમને નવા બીજ, ખાતર અને અન્ય ખેતીના ખર્ચ માટે જરૂરી નાણાં ઉપલબ્ધ થશે. રાજકોટ જિલ્લા સહકારી બેંકનો આ નિર્ણય ખરેખર ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને રવિ પાકના વાવેતરને નવી આશા આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application