રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઘેલા સોમનાથ ખાતે યોજાઈ હતી. સ્થળાંતરિત ખર્ચના વિવાદ બાદ આયોજન શહેર બહાર કરાયું હતું. સભામાં સ્વ-ભંડોળમાંથી શ્રેષ્ઠ તાલુકા-ગ્રામ પંચાયતને એવોર્ડ અપાયા અને કૃષિ મહોત્સવ અંગે જાણકારી અપાઈ છે.
સૈનિકોના પરિવારને એક લાખમાંથી બે લાખ સ્વભંડોળમાંથી ચૂકવવા ઠરાવ
મહત્વનો ઠરાવ પસાર થયો, જેમાં જિલ્લા પંચાયતના કર્મચારીનું અવસાન થાય તો સ્વ-ભંડોળમાંથી પરિવારને અપાતી રકમ રૂ.૫૦,૦૦૦થી વધારીને રૂ.૧ લાખ કરાઈ. સાથે જ શહીદ થયેલા સૈનિકોના પરિવારને એક લાખમાંથી બે લાખ સ્વભંડોળમાંથી ચૂકવવા ઠરાવ કરાયો. સાથે જ કચેરી ખાતે પાન, મસાલા, ગુટકા ખાઈને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકી દંડ લેવાનો નિર્ણય કરાયો. સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મુકાયો.
તપાસમાં ઢીલી નીતિ જોવા મળી
જોકે, વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ પ્રશ્નોતરી વગરની સામાન્ય સભા અને સ્વદેશી વસ્તુઓના વપરાશ અંગે પદાધિકારીઓ પર આક્ષેપ મૂકી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખર્ચ કૌભાંડની તપાસમાં ઢીલાશ રખાતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તપાસમાં જોડાયેલા અધિકારીઓ વિકાસ સપ્તાહની ઉજવણીમાં જોડાયેલા હોવાથી તપાસમાં ઢીલી નીતિ જોવા મળી રહી છે.