રાજકોટના કરદાતાઓએ ઉત્સાહ દાખવતા ચાલુ નાણાકીય વર્ષ 2025- 26નું ઓક્ટોબર મહિનામાં આવકવેરા વિભાગને રિફંડ ચૂકવ્યા બાદ રૂ. 2520 કરોડની આવક થઈ હોવાનું નોંધવામાં આવ્યું છે. જે ગત નાણાકીય વર્ષ 2024-25 કરતાં 38 ટકા વધુ થયું છે. જોકે રિફંડમાં ગત વર્ષ કરતાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કરદાતાઓને રિફંડ પેટે રૂ.1830.22 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે રિફંડનો આંકડો ઘટીને રૂ.904.30 કરોડ થયો છે. આમ, રિફંડ ઓછું ચૂકવવાના કારણે પણ વેરા વસુલાતમાં વધારો થવાનું કારણ સામે આવ્યું છે.
આ અંગે રાજકોટ આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓક્ટોબર મહિનામાં વિભાગની નિયમિત વેરા વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે કરદાતાઓએ સમયસર અને સાચી રીતે વેરો ભર્યો છે. આવકવેરા વિભાગને કેન્દ્ર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 4,856 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, ત્યારે માત્ર ઓક્ટોબર મહિનામાં જ વેરા વસુલાત રૂ. 2500 કરોડથી વધુ થતા આ લક્ષ્યને સહેલાઈથી પહોંચી વળાશે તેવો આવકવેરાના વિભાગના અધિકારીઓને વિશ્વાસ દર્શાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત રાજકોટ આવકવેરા વિભાગની તિજોરી છલકાવવામાં રાજકોટના ઉદ્યોગકારોની ભૂમિકા મહત્વની હોય છે, ત્યારે આ વર્ષે ઓક્ટોબરમાં કોર્પોરેટ ટેક્સ ગત નાણાકીય વર્ષ કરતાં 8.52 ટકા વધીને રૂપિયા 961.60 કરોડ થયો છે. જ્યારે આવકવેરા સહિતની અન્ય આવક ગત વર્ષે 953.63 કરોડ હતી જેમાં 66.79 ટકા વધારો થતા કુલ રૂ.1590.60 કરોડ નોંધવામાં આવી છે. આ બંને આવકમાં થયેલા નોંધપાત્ર વધારાના કારણે આવકવેરાની કુલ વસુલાત 2500 કરોડને પાર થઈ છે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ઓક્ટોબરની આવકની ગત નાણાકીય વર્ષ 2024-25ના આ જ સમયગાળા સાથે સરખામણી કરતા રાજકોટ આવકવેરા વિભાગને અલગ-અલગ પ્રકારના વેરાની વસુલાત ગત નાણાકીય વર્ષ 2024-25 કરતા મહદ અંશે વધારો થતા આ વર્ષે કુલ આવકમાં 38.72 ટકાનો વધારો નોંધવામાં છે. તેના પર નજર કરીએ તો ગત વર્ષે એડવાન્સ ટેકસ રૂ.16.92.63 કરોડ હતો, જે આ વર્ષે 2.51 ટકા વધીને રૂ.1736.16 કરોડ થયો છે. જ્યારે ગત વર્ષે ઓક્ટોબરમાં નિયમિત આકારણી રૂ.1624.70 કરોડ હતી, જેમાં 6.84 ટકા વધીને આ વર્ષે 1744.06 કરોડ થઈ છે. તથા નિયમિત આકારણી ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં છે 75.75 કરોડ હતી જે 21.32 ટકા ઘટીને 62.44 કરોડ થઈ છે. રિફંડ ચૂકવ્યા વિના ગત વર્ષે રૂ.3456.50 કરોડની વેરા વસુલાત થઈ હતી, જે 5.82 ટકા વધીને રૂ.3669.99 કરોડ પર પહોંચી છે. આમ ઓક્ટોબર માં ગત વર્ષે વેરા પેટે રૂ.1839.77ની વસુલાત કરવામાં આવી હતી, જેમાં 38.72 ટકાનો વધારો થતાં આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં કુલ રૂ.2552.20નો વેરો વસૂલવામાં આવ્યો છે.