શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય વેપારી આગેવાને રાજકોટની ભાગોળે સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પુત્ર સવારે પિતાને ફોન કરતા તેઓ ફોન ન ઉપાડતા હોય જેથી રૂબરૂ ફાર્મ હાઉસ તપાસ કરવા જતા પિતા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. વેપારી છેલ્લા થોડા દિવસોથી ચિંતામાં હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તે કયાં કારણોસર ચિંતામાં હતા તે જાણી શકાયું નથી જેથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. વેપારી વૃધ્ધના આપઘાતથી પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રણછોડનગર વેકરીયા મેઈન રોડ કિસાન નોવેલ્ટીની સામે રહેતા અને સંતકબીર રોડ પર "શિંગાર સેલ્સ" નામે શો રૂમ ધરાવતા દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા(ઉ.વ. ૬૦) એ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મહાઉસમાં રાત્રીના ઇલેક્ટ્રિક વાયર એંગલમાં બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. સવારે દેવરાજભાઈનો પરિવાર તેઓને ફોન કરી રહ્યો હોય લાંબો સમય સુધી ફોન બંધ આવતા દેવરાજભાઈનો પુત્ર અંકિત રૂબરૂ ફાર્મ હાઉસ ખાતે જઈને તપાસ કરતાં પિતા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.
બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દેવરાજભાઈ ઇમિટેશન એસોસિએશનના સભ્ય હતા તેમજ એક નામાંકિત વેપારી તરીકેની તેમની ગણના થતી હતી. સમાજલક્ષી કે સેવા કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. તેઓના અપમૃત્યુ વિશે જાણ થતા પૂર્વે મંત્રી અરવિંદ રૈયાણી, ભાજપના આગેવાનો તેમજ સાથી વેપારીઓ દોડી ગયા હતા.
વધુમાં જાણવા મળ્યા મુજબ, મૃતક દેવરાજભાઈ મૂળ સાયપર ગામના વતની હતા તેઓ અવારનવાર અહીં આવેલા ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અંકિત છે. આપઘાત અંગે પરિવાર કશું જાણતો ન હવાનું સામે આવ્યું હતું. તેમજ દેવરાજભાઈનો મોબાઇલ પણ હાલ પોલીસને મળ્યો ન હતો વેપારી આગેવાનના મોતનું સચોટ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.