રાજકોટ મહાપાલિકાના બજેટમાં અમેરિકન ટેરિફ જેવો વેરા વધારો ઝીંકવા તૈયારી ચાલી રહ્યાનું જાણવા મળે છે. શાસકોને કરવેરા દૂર કરવાની અંતિમ સત્તા છે તેમ છતાં અધિકારી સ્તરેથી રજૂ થતા ડ્રાફ્ટ બજેટમાં તો કરબોજ ઝીંકાશે જ તે નિશ્ચિત છે. અમુક નવા કરવેરા લાગુ કરવા પણ અંતિમ ઘડીની તૈયારીઓ ચાલી રહી છે.
વિશ્વસનીય મ્યુનિ.વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરા આકારણીની પધ્ધતિ અનુસાર મિલકતનું આયુષ્ય જેમ જૂનું થાય તેમ વેરા આવક ઘટે છે. આથી જો વેરો વધારવામાં આવે તો જ આવકનું પ્રમાણ જળવાય રહે તેમ છે. ૨૦૧૮થી કાર્પેટ એરિયા બેઇઝ વેરા આકારણી પધ્ધતિ અમલી કર્યા બાદ વેરા આવક વધવાને બદલે ઘટે તેવી સ્થિતિ છે. જ્યારે પાણી વેરામાં પણ ઘણા સમયથી વધારો કરાયો નથી તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જ, વાહન વેરો વિગેરે કરવેરા પણ વધારવા જરૂરી જણાતા હોય આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬ ૨૦૨૭ના બજેટમાં કરવેરા વધારો કરવા પ્રસ્તાવ રજૂ થવાની પ્રબળ શક્યતા છે.