રાજકોટમાં રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને જાહેર સ્થળોએ પણ રખડતાં કુતરાઓના ત્રાસ દુર કરવા અને સલામતીના શું પગલાં લઇ શકાય તે મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપા તંત્ર જાગ્યું છે. અને સુપ્રિમની ગાઇડલાઇન મુજબ રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કામગીરી કરવામાં આવનાર છે. મનપા દ્વારા તમામ સ્થળોના વડાને લોકોની સલામતી માટે દીવાલ ઊંચી લેવી, જાળી અને સિક્યુરિટી સહિતની તમામ વ્યવસ્થા કરવી અને આ માટે એક-એક નોડલ ઓફિસરની નિમણુંક કરવા તાકીદ કરાશે.
મનપાનાં વેટરનરી ઓફિસર ડો.ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નામદાર સુપ્રિમ કોર્ટનાં આદેશના લઈ સર્વે કરીને રાજ્ય સરકારને ડેટા મોકલાશે. રાજકોટ મહાપાલિકા દ્વારા આ સપ્તાહથી જ સર્વેની કામગીરી શરૂ કરાશે અને આંકડાકિય ડેટા એકત્ર કરીને રાજ્ય સરકારને મોકલાશે. જેમાં રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો પંડિત દિન દયાળ અને પદ્મકુંવરબા ઉપરાંત શહેરના તમામ સ્પોર્ટસ સંકુલ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, તમામ શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા સ્થળો કે જ્યાં લોકોની સતત અવર જવર રહે છે, તેવા તમામ સ્થળોએ સર્વે કરવામાં આવશે.
આવા જાહેર સ્થળોએ કુતરાઓ પ્રવેશી ન શકે તે માટે દિવાલો ઉંચી બનાવવા, જાળીઓ નાખવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે સરકારી હોસ્પિટલોના અધિક્ષકો, સરકારી અને અર્ધ સરકારી શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે સંબંધિત અધિકારીઓ તેમજ બસપોર્ટ જેવા જાહેર સ્થળો માટે સંબંધિત અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશે. અને મહાનગરપાલિકા દ્વારા સુપ્રિમના આદેશ મુજબ માત્ર બે સપ્તાહમાં સર્વે પૂર્ણ કરી તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતાં કુતરાઓના કારણે દેશની આબરુંનું ધોવાણ થઇ રહ્યાની ટકોર કરીને રખડતાં કુતરાના ત્રાસ દુર કરવા રાજ્ય સરકારો દ્વારા શું પગલાં લેવાયા ? તેવો પ્રશ્ન ઉઠાવતા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત તમામ મહાનગર પાલિકાઓને રખડતાં કુતરાઓ મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યો છે. જ્યાં લોકોની વધુ અવર જવર રહે છે તેવા જાહેર સ્થળોને રખડતાં કુતરાઓના ત્રાસથી સલામત રાખવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ શું પગલાં લઇ શકાય તેમ છે ? તે મુદ્દે સર્વે કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.