રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી પર્વ નિમિતે મુંબઇમાં યોજાતી દહીંહાંડી જેવી મટકીફોડ સ્પર્ધા યોજવામાં આવનાર છે. આ સ્પર્ધાના આયોજન માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં યોજાનાર આ સ્પર્ધા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ મહાપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા આગામી તા.૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ માટે ઈવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ પૂરી પાડવાના કામે, આ કામની અનુભવી તેમજ જીએસટી નંબર ધરાવતી ઈવેન્ટ મેનેજમેન્ટ સંસ્થા, પેઢી, વ્યક્તિ પાસેથી લેટરપેડ ઉપર સીલ બંધ કવરમાં માલ, મજુરી, તથા સ્થળ ઉપર સેવા પૂરી પાડવાના કામે તમામ કરવેરા સહિતના ભાવ તા.૨૯.૮.૨૦૨૬ સુધીમાં ઓફિસ અવર્સ દરમ્યાન રાજકોટ મહાપાલિકા, સેન્ટ્રલ ઝોન, સાંસ્કૃતિક વિકાસ વિભાગ, ડૉ. આંબેડકર ભવન, ત્રીજો માળ, રૂમ નં.૫, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ રજૂ કરવા ઓફર મંગાવવામાં આવી છે.
ઉપરોક્ત મટકીફોડ સ્પર્ધાના નિયમોની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ તેમજ ઇનામ એનાયત કરવામાં આવશે.