ગુજરાતી કહેવત છે કે ખાડો ખોદે તે પડે અને હાથના કર્યા હૈયે વાગે. આ કહેવત આજે રાજકોટ મહાપાલિકાના સંદર્ભમાં અક્ષરશઃ યથાર્થ નિવડી છે. શહેરમાં ચોમેર આડેધડ ખોદકામ કરીને રંગીલા રાજકોટને બદસૂરત બનાવી દેનાર મહાપાલિકા સાથે આજે એવું બન્યું કે મનપાએ જ ખોદેલા ખાડામાં મનપાનું જ ડમ્પર ઘુસી ગયું ! કલાકો સુધી જહેમત લેવા છતાં ડમ્પરનો જોટો બહાર નીકળ્યો ન હતો.
ડમ્પર ત્યાં જ મૂકીને સ્ટાફ જતો રહ્યો
વિશેષમાં બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ડો. યાજ્ઞિક રોડ ઉપર હોટલ ઇમ્પિરિયલ પેલેસની સામેની શેરીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની હવેલી નજીક મહાપાલિકાએ નવી પાઇપ લાઇન નાખવા માટે દિવસો પૂર્વે ખોદકામ કર્યું હતું ત્યારબાદ લતાવાસીઓની વારંવાર રજૂઆત છતાં ખાડામાં પુરાણ કરવા માટે કોઇ ફરક્યું ન હતું. તાજેતરમાં ખાડાનું પુરાણ શરૂ કરી ત્યાં આગળ ડામરકામ કરવાનું મટીરીયલ ઠાલવવા ડમ્પર આવ્યું હતું, દરમિયાન અહીં ખાડા ઉપર ફ્ક્ત ધૂળ નાખી હોય તેવું તકલાદી પુરાણ કરાયેલું હતું જેમાં ડમ્પરનો જોટો ખૂંપી ગયો હતો અને તેના કારણે ડમ્પર એક તરફ નમી ગયું હતું અને ભારે જહેમત ઉઠાવવા બાદ પણ જોટો ખાડામાંથી બહાર નીકળી શક્યો ન હતો ! આથી ડમ્પર ત્યાં જ મૂકીને સ્ટાફ જતો રહ્યો હતો.
લતાવાસીઓ તેમના વાહન ઘરમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી શેરીમાં ઘરના આંગણા પાસે જ ખોદાયેલા ખાડાને કારણે લતાવાસીઓ તેમના વાહન ઘરમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જ્યારે આજે મહાપાલિકા તંત્રને પણ તેવી જ મુશ્કેલી પડી અને ડમ્પરનો જોટો ખાડામાં ખૂંપી જતા લતાવાસીઓ રાજી થયા હતા. સાથે જ રહીશોને એવી આશા બંધાઇ હતી કે કદાચ હવે મહાપાલિકાને તેમનો પ્રશ્ન સમજાશે અને જાગનાથની શેરીઓના ખાડા ઝડપથી પુરાશે.