BREAKING NEWS

દોરડાથી બંધાયેલી મુરઘા ગેંગ મુરઘા બની, રાજકોટમાં ધાણીફૂટ ફાયરિંગમાં આરોપીઓનો વરઘોડો, મુરઘા બની બે હાથ જોડી માફી માંગી

  • November 13, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મંગળા રોડ પર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે થયેલા ધાણીફૂટ ફાયરિંગથી શહેરભરમાં ચકચાર મચાવી હતી. પોલીસે મુરઘા ગેંગના મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે મુરઘો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાજ વેતરણ, સોહિલ ઉર્ફે ભણો સિકંદર ચાનિયાને પકડી પાડયા છે. આ આરોપીઓ છેલ્લા 13 દિવસથી પોલીસને ચકમો આપી વિવિધ જગ્યાઓએ છુપાયા હતા. પકડાયેલા આરોપીઓનો આજે ઘટનાસ્થળે એસઓજી પોલીસે વરઘોડો કાઢ્યો હતો. જેમાં આરોપીઓ મુરઘા બની બે હાથ જોડી લોકોની માફી માંગી હતી. 


શું છે સમગ્ર ઘટના?

રાજકોટના મંગળા રોડ પર 29 ઓક્ટોબરની વહેલી સવારે 3.30 વાગ્યે જાહેર રોડ ઉપર સામસામે ફાયરીંગનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને પક્ષે સમાધાન કરી લેતા પોલીસે ખુદ ફરિયાદી બની આરોપીઓ વિરુધ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતં કલમ હેઠળ ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ અંગે તપાસ શરૂ કરી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. 


રાજકોટના મંગળા રોડ પર ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે સામસામે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. આ બનાવની પાછળ બંને જૂથ વચ્ચે ચાલી આવતી જૂની અદાવત કારણભૂત હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી. જાન્યુઆરી મહિનામાં એક યુવતી સાથેના સંબંધને લઇ બંને જૂથ વચ્ચે રાગદ્વેષ શરૂ થયો હતો અને ત્યારે પણ ફાયરિંગની ઘટના બની હતી. આ પછી ફરી ઓગસ્ટ મહિનામાં એ જ વાતનો ખાર રાખી ફાયરિંગ કરવામાં આવ્યા હતા.


ફરી ત્રીજી વખત 29 તારીખના રોજ ફાયરિંગના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં કુલ ત્રણ આરોપીઓ દ્વારા બંને પક્ષે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. આરોપી હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા અને સામાં પક્ષે સમીર ઉર્ફે સંજય ઉર્ફે મૂર્ઘો જુણેજા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application