રેલ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને ટ્રેન ચાલકોના કૌશલ્ય વિકાસ માટે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગર્વ લેવા જેવી સિદ્ધિ હાસલ કરી છે. રાજકોટ ડિવિઝન દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલું 'સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર' વિકસાવવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી પર આધારિત આ અત્યાધુનિક સિમ્યુલેટર લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલન જેવી જ અદ્યતન તાલીમ પૂરી પાડશે, જેનાથી રેલવેની કાર્યક્ષમતા અને મુસાફરોની સુરક્ષામાં મોટો વધારો થશે.
હવામાનની દરેક પડકારજનક સ્થિતિનું લાઇવ સિમ્યુલેશન
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટ સિમ્યુલેટર વાસ્તવિક રેલ માર્ગોના વીડિયો અને AI સંચાલિત રિયલ-ટાઇમ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમમાં દિવસ, રાત્રિ, મુસળધાર વરસાદ અને શિયાળાના ગાઢ ધુમ્મસ જેવી વિવિધ અને પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓનું આબેહૂબ નિર્માણ કરી શકાય છે. આનાથી લોકો પાયલટ ગમે તેવા કપરા વાતાવરણમાં પણ ટ્રેન સુરક્ષિત રીતે દોડાવવા માટે સંપૂર્ણ સક્ષમ અને સતર્ક બનશે.
કટોકટીના સમયે ત્વરિત નિર્ણય લેવાની અકસીર તાલીમ
સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) શ્રી મનોજ કુમાર રાવે આ ટેકનોલોજીની વિશેષતાઓ અંગે જણાવ્યું કે, આ સિમ્યુલેટરમાં રેલવે ટ્રેક પર અચાનક પશુ કે વ્યક્તિ આવી જવી, સ્પીડ રિસ્ટ્રિક્શન ઇન્ડિકેટર્સ (ગતિ પ્રતિબંધ સંકેતો) તેમજ 'સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર' (SPAD) જેવી ગંભીર ઓપરેટિંગ પરિસ્થિતિઓની લાઈવ પ્રેક્ટિસ આપવામાં આવે છે. આનાથી ચાલકોનો રિસ્પોન્સ ટાઈમ (પ્રતિક્રિયા સમય) સુધરશે અને બ્રેકિંગ સ્કીલ વધુ સચોટ બનશે. તાલીમ પૂરી થતાં જ કમ્પ્યુટર દ્વારા ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટ જનરેટ થાય છે, જેથી ટ્રેનર્સ દરેક તાલીમાર્થીની ખામીઓ ઓળખીને તેને સુધારી શકે છે.
સુરક્ષિત અને આધુનિક રેલ સંચાલન તરફ મજબૂત કદમ
આ નવીનતમ સિસ્ટમ કોઈપણ પ્રકારના ઓપરેશનલ કે ભૌતિક જોખમ વિના એકદમ સુરક્ષિત અને કરકસરયુક્ત તાલીમ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ બની છે. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ પ્રોજેક્ટને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન હંમેશા ઇનોવેશન અને નવી ટેકનોલોજી દ્વારા રેલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ સ્વદેશી સિમ્યુલેટર ભારતીય રેલવેના આધુનિકીકરણના ઇતિહાસમાં એક મોટું કદમ સાબિત થશે અને પશ્ચિમ રેલવેની સુરક્ષિત તથા વિશ્વસનીય મુસાફરીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે.