BREAKING NEWS

ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી ટીમના દરોડા, 13 મહિલા રંગેહાથ ઝડપાઈ, 6 પોલીસકર્મીની બદલી

  • July 14, 2026 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં એક પોલીસ કર્મચારીના ઘરમાં જ ધમધમતી જુગાર ક્લબ પર રેન્જ આઈજીની ટીમે સફળ દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે ગોંડલ ડીવાયએસપી કચેરીના જ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતી ૧૩ મહિલાઓની રંગેહાથ ધરપકડ કરી છે, જ્યારે મકાન માલિક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


આ દરોડા દરમિયાન પોલીસે જુગારના પટમાંથી અને પકડાયેલી મહિલાઓ પાસેથી કુલ રૂપિયા ૧,૩૫,૯૦૦ની રોકડ રકમ કબજે કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવીને પોતાના ઘરમાં જુગાર રમાડતો હતો અને નાલ ઉઘરાવતો હતો. જોકે, દરોડા દરમિયાન આ કથિત પોલીસ કર્મચારી ઘટનાસ્થળે હાજર મળી આવ્યો ન હતો. પોલીસ વિભાગના જ કર્મચારી દ્વારા પોતાના મકાનમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.


આ સફળ દરોડા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલા સ્થાનિક તંત્ર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ગોંડલ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ૬ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી નાખવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને ફરાર કોન્સ્ટેબલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. જ્યારે પકડાયેલી તમામ મહિલા આરોપીઓને અદાલતી માર્ગદર્શિકા મુજબ નોટિસ આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ઝડપાયેલી મહિલાઓમાં હિનાબા ભગીરથસિંહ વાઘેલા (ઉં.વ. 44, ભવનાથનગર), મયુરાબેન દીપકભાઈ અમૃતિયા (ઉં.વ. 41, ગુંદાળા રોડ), કિરણબેન ચંપકભાઈ પટેલ (ઉં.વ. 50, યોગીનગર), રેખાબેન રણછોડભાઈ સાવલિયા (ઉં.વ. 61, ગાયત્રી નગર), કિશોરબા દિલાવરસિંહ રાણા (ઉં.વ. 62, રઘુવીર સોસાયટી), ભાવનાબા ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ. 44, રામ હોસ્પિટલ પાછળ), ભારતીબેન રાજેશભાઈ માંડવીયા (ઉં.વ. 34, રામદ્વાર પાસે), જયશ્રીબા પ્રદ્યુમનસિંહ ગોહિલ (ઉં.વ. 45, SRP કેમ્પ), ગીતાબેન સંજયભાઈ અમીપરા (ઉં.વ. 54, તક્ષશિલા સોસાયટી), દક્ષાબેન જગદીશભાઈ ઝાલાવડિયા (ઉં.વ. 50, સ્ટેશન પ્લોટ), જયશ્રીબેન હરેશભાઈ વાણિયા (ઉં.વ. 68, શિશુ મંદિર સ્કૂલ પાસે), રીટાબા યોગેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 45, ભવનાથ પ્લોટ) અને નીલાબેન બિપીનભાઈ ગીરધરલાલ (ઉં.વ. 56, મોટી બજાર) નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application