BREAKING NEWS

રાજકોટ રેન્જ ટીમે અમદાવાદ હાઇવે પર કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો: 45 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

  • September 02, 2026 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં ટેન્કરોમાંથી આચરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રાજકોટ રેન્જ પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કટારીયા ગામની સીમમાં યુ.પી. બિહાર ઢાબા હોટલના પાર્કિંગમાંથી ટેન્કર માલિકની જાણ બહાર કેમિકલ ચોરી કરવાના મોટા કૌભાંડનો રાજકોટ રેન્જ ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલું ટેન્કર, ચોરીના સાધનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૪૫,૨૯,૪૪૭/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જના જિલ્લાઓમાંથી પસાર થતા હાઇવે પર હોટલોની આડમાં ચાલતી ગેરકાયદેસર ચોરી અને અન્ય પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા તથા સી.એમ. કાંટેલીયા સહિતની ટીમે હ્યુમન સોર્સ અને ચોક્કસ બાતમીદારોના નેટવર્ક દ્વારા આવી પ્રવૃત્તિઓ પર વોચ ગોઠવી હતી.

તપાસ દરમિયાન પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા અને સ્ટાફના અંકિત જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે કટારીયા ટોલનાકા નજીક જયરાજસિંહ અને જયવીરભાઈની માલિકીની 'યુ.પી. બિહાર ઢાબા હોટલ'ના પાર્કિંગમાં ઊભેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી કરવામાં આવી રહ્યું છે. પોલીસે તુરંત દરોડો પાડીને ચોરીનું કેમિકલ અને ટેન્કર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ (૧) માજીદ વાહિદ અલી (રહે. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ) અને (૨) સાહિલ ફીરોજભાઇ મુલ્તાની (રહે. અંકેવાળીયા, તા. લીંબડી) ની રંગેહાથ ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાસ્થળે હાજર ન મળી આવેલા અન્ય ત્રણ આરોપીઓ (૩) ઇકલાખખાન, (૪) જયરાજસિંહ ભુપતસિંહ રાઠોડ (રહે. ચુડા) અને (૫) જયવીરભાઈ કાઠી સામે પણ પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પાણસીણા પોલીસ મથકે કેમિકલ ચોરીનો કાયદેસરનો ગુનો નોંધીને ફારાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઇવે પર ચાલતી આવી સંગઠિત ચોરીની પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News