સામાન્ય રીતે સંક્રાન્તથી સૂર્યનારાયણનું દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પ્રયાણ થતું હોય છે અને તેના કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતો હોય છે. પરંતુ સંક્રાત પછીના દિવસે પણ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા છે. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી રેડવા પામ્યું છે. 81% સાથે ઠંડા પવનનું ચુકાતા હોવાથી ગિરનાર પર્વત ઠરીને ઠીકરું થઈ ગયો હોય એવું લાગે છે.
જુનાગઢ શહેરમાં 7.5 અને ભવનાથ તળેટીમાં 5.5 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
આજે પોરબંદર રાજકોટ નલિયા ડીસા સહિત અનેક શહેરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડીજીટમાં આવી ગયું છે. તો વડોદરા ભાવનગર દીવ સહિત અનેક સેન્ટરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેવા પામ્યું છે. આજે નલિયામાં 9.6 રાજકોટમાં 8.4, પોરબંદરમાં 8.9, ડીસામાં 9.3, ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 11.5, વડોદરામાં 10, ભાવનગરમાં 10.6, ભુજમાં 12.4, ડીસામાં 9.3, દીવમાં 10.2, કંડલામાં 11.5, ઓખામાં 18.6, સુરતમાં 13.2 અને વેરાવળમાં 14. 2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયામાં સૌથી નીચું તાપમાન શિયાળામાં રહેતું હોય છે અને ગુજરાતમાં આવું ડીસામાં બનતું હોય છે. પરંતુ રાજકોટ અને પોરબંદરમાં આજે નલિયા અને ડીસા કરતાં પણ લઘુતમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરી ગયો છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હજુ કોલ્ડ વેવ કન્ડિશન સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. પરંતુ ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે. જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અનેક જગ્યાએ કોલ્ડ વેવ જાહેર કરવામાં આવેલ છે અને આગામી તારીખ 20 સુધી ઠંડીનું જોર આ રાજ્યોમાં વધુ રહેશે તેવી ચેતવણી પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
આવતીકાલ તારીખ 16 ના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે અને તેના કારણે સમગ્ર હિમાલયન રીજીયનમાં વરસાદ અને હિમવર્ષા ની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં આવતીકાલથી તારીખ 20 સુધીમાં વરસાદની શક્યતા છે
દક્ષિણનું ચોમાસુ હવે 48 કલાકનું મહેમાન
તમિલનાડુ પુડીચેરી કેરલા આંધ્રપ્રદેશ કર્ણાટકા સહિતના રાજ્યોમાં ચાલતું ચોમાસુ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને આગામી 48 કલાક પછી દક્ષિણનું ચોમાસુ પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.