BREAKING NEWS

પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ તુરંત રાજકોટ શહેર ભાજપનું સંગઠ્ઠન માળખું જાહેર થશે

  • October 02, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંગઠ્ઠન સંરચના અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની ચૂંટણી માટે આવતીકાલે તા.૩ ઓક્ટોબરથી ઉમેદવારી કમ દાવેદારી પત્રો ભરાશે અને તા.૪ ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી અધિકારી આવશે. સંભવત: ૪ ઓક્ટોબરે રાત્રી સુધીમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઇ જાય તેવી પ્રબળ સંભાવના છે. પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ પખવાડિયામાં રાજકોટ શહેર ભાજપની ૨૧ હોદેદારોની ટીમના નામ જાહેર થશે, શહેરના મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર થયા બાદ તુરંત જ સાત મોરચા અને ૧૬ સેલના હોદ્દેદારોના નામની જાહેરાત થશે તેમ જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે ડો.માધવભાઇ દવે કાર્યરત થયા છે પરંતુ શહેર ભાજપની કુલ ૨૨ હોદેદારોની નવી ટીમમાં ૨૧ હોદેદારોની નિયુક્તિ હજુ બાકી છે. ત્રણ મહામંત્રી, આઠ મંત્રી, આઠ ઉપપ્રમુખ, એક કોષાધ્યક્ષ તેમજ એક કાર્યાલય મંત્રી સહિત કુલ ૨૧ હોદેદારો માટે દાવેદારોનું લોબિંગ યથાવત છે પરંતુ અંતિમ ઇચ્છા પક્ષની રહેશે. ઉપરોક્ત હોદ્દેદારોની નિયુક્તિમાં નામોની પેનલ તૈયાર કરવાની હોતી નથી પરંતુ શહેર પ્રમુખ અને સ્થાનિક સિનિયર નેતાઓ સાથે વિચાર વિમર્શ કરીને અન્ય નિમણૂંકો થતી હોય છે. પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થયા બાદ તુરંત રાજકોટ સહિત રાજ્યભરમાં આ અંગેની પ્રક્રિયા હાથ ધરાશે. ખાસ કરીને રાજકોટ સહિત રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આડે હવે માંડ ચારથી પાંચ મહિનાનો સમયગાળો બાકી રહ્યો હોય હવે વ્હેલી તકે સંગઠન સંરચના પૂર્ણ કરવા સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં હાલ તો વોર્ડવાઇઝ લગાતાર કાર્યક્રમોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી પૂર્ણ થયા બાદ હવે વોર્ડવાઇઝ આત્મ નિર્ભર ભારત અને જીએસટી દર ઘટાડા અંગેના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. દિવાળી સુધીમાં આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વોર્ડ વાઇઝ સ્નેહ મિલનો યોજાશે.



જ્ઞાતિના ગણિત મુજબ ચોકઠાં ગોઠવાશે

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે બ્રહ્મ સમાજના નેતાને સ્થાન અપાયું હોય હવે અન્ય હોદેદારોની નિયુક્તિમાં જ્ઞાતિના ગણિત મુજબ ચોકઠાં ગોઠવાશે. લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, જૈન, લોહાણા, ક્ષત્રિય તેમજ ઓબીસી સહિત તમામ સમાજને યોગ્ય સ્થાન મળે તે મુજબ નવી નિમણૂકો કરવામાં થશે. મુખ્ય હોદ્દાઓ ઉપરાંત મોરચા અને સેલમાં પણ સોશ્યલ એન્જિનિયરિંગને ખાસ ધ્યાને લેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application