શિયાળાની સિઝનને દોઢ મહિના જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ સીઝન સેટ થતી નથી અને મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે. ઠંડીનું પ્રમાણ દિવસો દિવસ ઘટતું જાય છે અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. શિયાળાની જગ્યાએ જાણે ઉનાળાએ એન્ટ્રી લઈ લીધી હોય તેવું વાતાવરણ સૂર્યનારાયણના દર્શન સાથે જ લોકો અનુભવે છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ હજુ આવા વાતાવરણમાંથી નજીકના ભવિષ્યમાં છુટકારો નથી મળવાનો અને ઓછામાં ઓછા ચાર દિવસ સુધી ગરમીના પ્રમાણમાં એટલે કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થતો જશે.
ગિરનાર પર્વત ઉપર ઠંડીનું જોર યથાવત રહ્યું
જોકે ગિરનાર પર્વત ઉપર ઠંડીનું જોર યથાવત રહ્યું છે. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 7.7 ડીગ્રી રહેવા પામ્યું છે. જુનાગઢ શહેરમાં ૧૨.૭ અને ભવનાથ તળેટીમાં 10.7 ડીગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
ક્યાં કેટલું મહત્તમ તાપમાન નોંધાયું
સોમવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 33.3 ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું. જો કે રાજ્યના અન્ય તમામ શહેરોમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રી થી વધુ રહ્યો છે. અમરેલીમાં 31.8, ભાવનગરમાં 30.1, ભુજમાં 31.8, દ્વારકામાં 31.5, કંડલામાં 31.7, નલિયામાં 31.4, પોરબંદરમાં 32.3, સુરતમાં 32.5 અને વેરાવળમાં 30.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 30.6, વડોદરામાં 31.8, ડીસામાં 32.1, ગાંધીનગરમાં 30.8 અને સુરતમાં 32.7 ડીગ્રી મહત્તમ તાપમાન સોમવારે રહેવા પામ્યું હતું.
ભેજના પ્રમાણમાં એકાએક જોરદાર ઘટાડો રાજકોટમાં થયો
આજે પણ લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. રાજકોટમાં 15.3, પોરબંદરમાં 12.9, અમરેલીમાં 12.6, ભાવનગરમાં 18, ભુજમાં 14.4, દ્વારકામાં 19.2, કંડલામાં 17, નલિયામાં 11.2, ઓખામાં 21.6 અને વેરાવળમાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. ભેજના પ્રમાણમાં એકાએક જોરદાર ઘટાડો રાજકોટમાં થયો છે . ગઈકાલ સુધી 75 થી 80% ભેજ નોંધાયા પછી આજે રાજકોટમાં માત્ર 56% ભેજ સવારે નોંધાયો છે અને તેના કારણે સવારનું ફૂલ ગુલાબી ઠંડીનું વાતાવરણ પણ ઓછું થઈ ગયું છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે તો બીજી બાજુ જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉતરાખંડ તામિલનાડુ કેરળ પુડીચેરી અંદામાન નિકોબારમાં વરસાદ ચાલુ જ છે.