કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કરેલા કેન્દ્રીય બજેટ અંતર્ગત સોના અને ચાંદી ઉદ્યોગ માટે કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી નથી. એટલું જ નહીં ઝવેરીઓ દ્વારા કરવામાં આવેલી કેટલીક માગણીઓ પણ પૂરી થઈ નથી. પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સરકાર દ્વારા સોના-ચાંદી ઉદ્યોગ માટે ડ્યુટી અને જીએસટી સહિતમાં ઘટાડો નથી કરાયો પણ સામે વધારો પણ નથી કરવામાં આવ્યો તે બાબત સામે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ દેશના વિકાસ માટે સરકાર દ્વારા રાહતલક્ષી બાબતોને લઈને કેન્દ્રીય બજેટને રાજકોટ શહેરના ઝવેરીઓએ આવકાર્યું છે.
સોના-ચાંદી ઉદ્યોગના ભવિષ્ય માટે બજેટ સારું રહ્યું : મયુર આડેસરા
બજેટ અંગે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેશરાના જણાવ્યા પ્રમાણે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનની માંગણીઓ બજેટમાં પૂરી નથી થઈ. પરંતુ ભવિષ્યની દ્રષ્ટિએ બજેટ એકંદરે સારું રહ્યું છે.વર્તમાન સમયમાં વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની વચ્ચે દેશનો જીડીપી ગ્રોથ 7 ટકા જાળવી રાખ્યો છે તે સારી બાબત છે. કેપિટલ ગેઈન ટેક્સમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ પર સબ્સ્ક્રાઇબરને મુક્તિ મર્યાદાની છૂટછાટ મળી તેને આવકાર છે. બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી નથી, પરંતુ સામે વધારો પણ નથી થયો. એટલે કે સ્થિરતા જાળવી શકાય છે. આ ઉપરાંત એમ.એસ.એમીના ગ્રોથ માટે સરકારે 10,000 કરોડના ફંડની જાહેરાત કરી છે જેના દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનને પણ લાભ થશે.
સોના-ચાંદી ઉદ્યોગ માટે સરકાર હજુ પણ વિચારશે તેવી આશા : અલ્પેશ લુણાગરિયા
સિલ્વર મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ અલ્પેશભાઈ લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદી ઉદ્યોગ માટે બજેટમાં કશી નવી જાહેરાત કરવામાં આવી નથી. સોના અને ચાંદીના ઉદ્યોગકારો 3 ટકા જીએસટી અને 6 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટે તેવી આશા રાખીને બેઠા હતા. પરંતુ તેમાં કોઈ ફેરફાર નહીં કરાતા છોડી નિરાશા જરૂર થઈ છે. પરંતુ સોના અને ચાંદીના ઉદ્યોગકારોને હજુ પણ છેલ્લી ઘડીએ સરકાર સંશોધન બાદ જાહેરાત કરશે તેવી આશા યથાવત છે. તેમજ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશને ટકાવી રાખવા માટે સરકારના નિર્ણયને હાલ તેઓ મને- કમને પણ આવકારી રહ્યા છે